8 સ્થળે કરેલા દબાણ દૂર કરી 3 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
કુખ્યાત
આરોપી કાળા દેવરાજ સહિત 4 ગુનેગારોએ ગાંધીગ્રામ વિસ્તારમાં 2400 ચોરસ મીટર જમીન પચાવી
પાડી હતી
જૂનાગઢ,તા.11
: રાજ્યમાં અસામાજિક તત્વો અને ગુનેગારો સામે આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં
ગાંધીનગરમાં નવરાત્રી પર્વએ આતંક મચાવનાર અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર
ફેરવી દેવાયું હતુ. દરમિયાન જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં દબદબો ધરાવતા ગુજસીટોક
સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અનેક આવારા તત્વોએ સરકારી જમીનમાં ખડકેલા દબાણો પર
બુલડોઝર ફેરવી દેવાયું છે. રૂ.3 કરોડથી વધુની અંદાજે 2400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન
ખુલ્લી કરાવવામાં આવી છે.
આ કાર્યવાહીમાં
મુખ્ય કુખ્યાત આરોપી કાળા દેવરાજ હતો, જેના વિરુદ્ધ પોલીસ ચોપડે 108 જેટલા ગંભીર ગુના
નોંધાયેલા છે. આ ગુનાખોરીના બાદશાહે ગાંધીગ્રામ વિસ્તારમાં ચાર જગ્યા પર સરકારી જમીન
પચાવી પાડી હતી અને ગેરકાયદે બાંધકામ ખડકી દીધું હતું. આ ઉપરાંત ચના રાણા મોરી વિરુદ્ધ
5 ગુના, અજય રૂડાભાઈ કોડીયાતર વિરુદ્ધ 10 ગુના, આલા સિદીભાઈ રાડા વિરુદ્ધ 13 ગુના નોંધાયેલા
છે. આ તમામ આરોપીઓએ ગાંધીગ્રામ વિસ્તારમાં કરેલા ગેરકાયદે બાંધકામોને આજે વહીવટી તંત્ર
દ્વારા ધ્વસ્ત કરી દેવાયા હતા.
જૂનાગઢ
એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતુ કે, આવારા તત્વોએ સરકારી જમીન પર ખડકી દીધેલા બાંધકામ
અંગે સર્વેની કામગીરી હાથ ધરીને રેવન્યુ વિભાગ અને કલેક્ટરને તમામ રિપોર્ટ સોંપવામાં
આવ્યો હતો. જો આવારા તત્વો દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવશે
તો તેના પરિણામ ભયંકર આવશે.
દબાણકર્તાઓ
સ્વેચ્છાએ બાંધકામ નહીં હટાવે તો ગંભીર પરિણામ આવશે
શહેર-જિલ્લાના
અસામાજિક તત્વો વિરુદ્ધ અગાઉ પણ કાર્યવાહી કરાઈ છે, આજે ગાંધીગ્રામ વિસ્તારમાં આ કાર્યવાહી
શરૂ કરવામાં આવી છે. દબાણ કરનારા ઈસમોને વહીવટી તંત્ર દ્વારા અગાઉ નોટિસ પણ પાઠવવામાં
આવી હતી. આ ડિમોલેશનની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. સરકારી જમીનમાં
દબાણ કર્યું છે તેઓ સ્વૈચ્છાએ દબાણો દૂર નહી કરે તો વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા
હેઠળ તમામ દબાણો દૂર કરવામાં આવશે અને તેના પરિણામ ભયંકર આવશે.
- અનિલ
રાણાવસીયા (જૂનાગઢ જિલ્લા કલેક્ટર)