485 મેટ્રિક ટન વજન ધરાવતા આ પુલને ટ્રાન્સવર્સ પદ્ધતિથી સ્થાપિત કરવામાં આવ્યો
અમદાવાદ,
તા.11 : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત
થયું છે. ગુજરાતના અમદાવાદમાં પ્રોજેક્ટના 10માં સ્ટીલ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક
પૂર્ણ કરી તેને લોન્ચ કરવામાં આવ્યો છે. આ 60 મીટર લાંબો સ્ટીલ બ્રિજ રેલવે ટ્રેકની
નજીક સ્થિત પશ્ચિમ રેલવેની સુવિધા ઉપરથી પસાર થશે. મહિનાઓનું ઝીણવટભર્યું આયોજન અને
તૈયારી બાદ આ બ્રિજનંવ લોન્ચિંગ માત્ર 7 કલાકના અત્યંત ટૂંકા સમયગાળામાં ચોકસાઈ સાથે
પૂર્ણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
માટે લોન્ચ કરાયેલો આ પહેલો સ્ટીલ બ્રિજ છે.
485
મેટ્રિક ટન વજન ધરાવતા આ પુલને ટ્રાન્સવર્સ લોન્ચિંગ પદ્ધતિથી સ્થાપિત કરવામાં આવ્યો.
આ માટે પુલને જમીનથી 16.5 મીટરની ઊંચાઈ પર અસ્થાયી ટ્રેસલ પર એસેમ્બલ કરાયો હતો. ત્યારબાદ
સ્ટેબિલિટી માટે લાકિંગ ટ્રૉલીના સપોર્ટ સાથે, 200-ટન ક્ષમતાવાળા બે સેમી-ઓટોમેટિક
જેકની મદદથી માત્ર 7 કલાકમાં તેને સાઇડ-સ્લ્યૂ
(બાજુમાં ખસેડવાની) કરીને તેની અંતિમ જગ્યાએ ગોઠવવામાં આવ્યો. 12 મીટર ઊંચાઈ
અને 11.4 મીટર પહોળાઈ ધરાવતો આ પુલ વર્ધા (નાગપુર, મહારાષ્ટ્ર) ખાતે વિશેષ વર્કશોપમાં
ફેબ્રિકેટ કરવામાં આવ્યો હતો. પુલના નિર્માણમાં લગભગ 20360 ટોર-શિયર પ્રકારના હાઇ સ્ટ્રેન્થ
(ટીટીએચએસ) બોલ્ટ્સનો ઉપયોગ થયો છે, તેમજ વધારે ટકાઉપણા અને વાયબ્રેશન નિયંત્રણ માટે
ઇલાસ્ટોમેરિક બારિંગ્સ મૂકવામાં આવ્યા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન વિયાડક્ટ અમદાવાદમાં
કુલ 31 ક્રોસિંગ્સમાંથી પસાર થશે, જેમાં રેલ્વે ટ્રૅક્સ, ફ્લાયઓવર્સ, નહેર, સાબરમતી
નદી પર એક રિવર પુલ ક્રોસિંગ અને છ સ્ટીલ પુલ્સનો સમાવેશ થાય છે. સમગ્ર કોરિડોર માટે
કુલ 28 સ્ટીલ પુલ બનાવવાની યોજના છે, જેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં છે.