• રવિવાર, 20 જુલાઈ, 2025

ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન 7 % ઘટીને 14.75 લાખ ટન થશે

સમગ્ર ભારતનું ઉત્પાદન 8 ટકા ઘટતા 18.22 લાખ ટન રહેવાનો અંદાજ ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં મૂકાયો

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.15: ગુજરાતમાં નવા એરંડાની આવક જોરશોરથી શરૂ થઇ ગઇ છે ત્યારે પાકના અંદાજો વ્યક્ત થયા છે. અમદાવાદમાં યોજાયેલી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં રાજ્યમાં એરંડાનું ઉત્પાદન 14.75 લાખ ટન થશે તેવી ધારણા વ્યક્ત થઇ છે. ઉત્પાદન ગયા વર્ષના 15.74 લાખ ટન કરતા 7 ટકા ઓછું થવાનું છે. દેશના ઉત્પાદનનો અંદાજ આ સાથે 8 ટકા ઘટીને 18.22 લાખ ટન મૂકવામાં આવ્યો છે.

સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસીએશન દ્વારા પાકનો અંદાજ મૂકવા માટે દર વર્ષે કેસ્ટર કોન્ફરન્સ મળે છે. અમદાવાદમાં શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં એરંડા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એરંડાનો 80 ટકા પાક ગુજરાત રાજ્યમાં લેવામાં આવે છે. જ્યાં પાછલા વર્ષમાં મળેલા નીચાં ભાવને લીધે વાવેતરમાં 13 ટકા જેટલો ઘટાડો થયો હતો. ગુજરાતમાં પાછલા વર્ષે 7.24 લાખ હેક્ટરમાં વાવેતર હતુ પણ આ સાલ 6.46 લાખ હેક્ટર વાવેતર રહ્યું હતુ. વાવેતરમાં મોટો કાપ છતાં ઉતારા સુધરવાને લીધે ગુજરાતમાં ઉત્પાદન માત્ર 7 ટકા જેટલું ઘટયું છે. એરંડાના પાક માટે મોસમ અત્યંત અનુકૂળ હતી એટલે હેક્ટર દીઠ ઉતારો ગયા વર્ષમાં 2174 કિલો મળ્યો હતો તેના સ્થાને 2281 કિલો મળ્યો છે.

સંસ્થા દ્વારા કરાવવામાં આવેલા સેટેલાઇટ સર્વે પ્રમાણે રાજસ્થાનમાં 2.85 લાખ ટન એરંડા પાકશે. પાછલા વર્ષ કરતા ઉત્પાદનમાં 10 ટકા ઘટાડો થશે. ત્યાં અગાઉના વર્ષે 3.14 લાખ ટનનો પાક હતો. આંધ્રપ્રદેશ અને તેલંગણાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. ઉત્પાદન આશરે 32 ટકા ઘટીને 54000 ટન થશે. જે ગયા વર્ષમાં 80000 ટન હતુ. હેક્ટરદીઠ ઉતારા બાબતે ગુજરાત સૌથી આગળ રહેશે. કોન્ફરન્સ દરમિયાન નિષ્ણાતો સાથે થયેલી ચર્ચામાં એવું બહાર આવ્યું હતુ કે, સંસ્થાએ મૂકેલા અંદાજમાં 5 ટકાથી વધુ મોટો ફેરફાર દેખાવાનું મુશ્કેલ છે. જ્યારે એરંડાના ભાવ નવી સીઝનમાં રૂ. 1100થી 1325ની રેન્જમાં રહેશે તેવો અંદાજ મૂકાયો હતો. અત્યારે એરંડાનો ભાવ રૂ. 1180-1270ની રેન્જમાં ચાલી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક