ચૂંટણી
પંચ દ્વારા તૈયારીઓ પૂરી કરી દેવાઈ : તાલુકા પંચાયત માટે આગામી સપ્તાહમાં નિર્ણય લેવાય
તેવા સંકેતો
(ફૂલછાબ
ન્યૂઝ)
ગાંધીનગર
તા.18 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
માટેની સામાન્ય ચૂંટણીઓ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં જાહેર થાય તેવા સ્પષ્ટ સંકેત સચિવાલયના
સૂત્રોમાંથી મળી રહે છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી સપ્તાહના પ્રારંભે મતદાર યાદીની
આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે અને ત્યાર બાદ તેના એક સપ્તાહ બાદ ચૂંટણી અંગેની જાહેરાત
ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે તે અંગે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સૂત્રોના
જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચની ગઈકાલે એક અગત્યની બેઠક મળી હતી જેમાં શહેરી વિસ્તારની
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાને લઇ ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી
હતી આ ઉપરાંત મતદાર યાદીની જે પ્રાથમિક પ્રસિદ્ધિ અગાઉ ડિસેમ્બરમાં થઈ હતી તેના મળેલા
વાંધા સૂચનો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી ત્યાર બાદ જિલ્લાઓના તંત્રને આગામી સપ્તાહમાં
મતદાન યાદીની આખરી પ્રસિદ્ધિ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
છઠ્ઠી
જાન્યુઆરીએ ચુંટણી પંચ દ્વારા જાહેર થયેલ મતદાર યાદીમાં જે નામો ઉમેરવાના થાય છે તેની
પુરવણી યાદી તૈયાર કરી અને તૈયારીઓને
વેગીલી બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે આ અંગેનો ડેટા મળતા હજુ એકાદ સપ્તા જશે
તેવું જણાવતા આ સૂત્રો કહે છે કે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ચૂંટણી પંચ સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરી શકે છે .
આ સૂત્રોના
જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના અંત પહેલા ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ કરી શકાય તે રીતે આખો
કાર્યક્રમ તૈયાર કરી દેવામાં આવ્યો છે આ સૂત્રો જણાવે છે કે પ્રથમ તબક્કામાં જુનાગઢ
મહાનગરપાલિકા 73 જેટલી નગરપાલિકાઓ અને 16 બેઠકોની પેટા ચૂંટણી યોજવાની તૈયારીઓ પૂર્ણ
થઈ ગઈ છે ત્રણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજવી કે કેમ તે અંગેનો
નિર્ણય પણ આગામી સપ્તાહમાં આખરી કરી દેવામાં આવે તેવા સંકેતો છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ તો ડિસેમ્બરમાં
જાહેર થવાની હતી પરંતુ તે અટકી ગઈ છે અને હવે તે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં જાહેર
કરવામાં આવે તેમ મનાઈ રહ્યું છે.