વેરાવળ,ઉના,તા.17 : ગીર પંથકના
ગામડાઓમાં અવારનવાર સિંહ પહોંચી જતાં હોય છે અને પાલતું પશુઓના મારણ કરીને મીજબાની
માણતા હોય છે. હવે તો શહેરી વિસ્તારમાં પણ રાની પશુઓના આંટાફેરા વધી ગયા છે ત્યારે
ગીર સોમનાથના ઉના શહેરના હરસિદ્ધિ નગરમાં આવેલી ખાનગી શાળામાં શિકારની શોધમાં સિંહ
આવી ચડયો હતો. સદ્નસીબે સિંહ શાળામાં આવ્યો ત્યારે શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર
ઉભા રાખી દીધા હતા. રહેણાક વિસ્તારમાં સવારના સમયે સિંહ આવી ચડતાં લોકોના જીવ તાળવે
ચોંટી ગયા હતા.
ઉનાના દેલવાડા રોડ પર આવેલી હાઈસ્કૂલની
પાછળના ભાગે હરસિદ્ધિ નગરમાં આવેલી ગાયત્રી શાળામાં સિંહ આવી પહોંચ્યો હતો. શિકારની
શોધમાં આવેલા સિંહે શાળાના બિલ્ડિંગની પાછળના ભાગે વાછરડાનું મારણ કરી મિજબાની માણી
હતી. મિજબાની માણ્યા બાદ સિંહે શાળાના ગ્રાઉન્ડમાં આંટાફેરા માર્યા હતા. શાળામાં આંટાફેરા
મારતાં સિંહ શાળાના ઉપરના ભાગે જવાના દાદર પર ચડયો હતો, પરંતુ ઉપરના ભાગે શાળાના ઓરડાઓ
બંધ હોવાથી સામેના ભાગના દાદર પરથી નીચે ઉતરી ગયો હતો. સવારના સમયે શાળાના ગ્રાઉન્ડમાં
સિંહ હોવાની જાણ શાળાના શિક્ષકોને થતાં શાળાએ આવતા વિદ્યાર્થીઓને બહારના ભાગે જ પ્રવેશતા
રોકી દેવાયા હતા અને વન વિભાગને જાણ કરી દેવામાં આવી હતી.
આ દરમિયાન સિંહ શાળાના ગ્રાઉન્ડમાંથી
નીકળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો શાળાની સામેના ભાગે રહેતા લોકોએ પોતાના મોબાઈલ
કેમેરામાં કેદ કર્યો હતો. બાદમાં વન વિભાગની ટીમે આવીને સિંહને જંગલ તરફ ખસેડવા કામગીરી
આદરી હતી. આ સાથે વિદ્યાર્થીઓના વાલીઓને અફવાઓથી દૂર રહેવા શાળાના આચાર્યએ અપીલ કરી
હતી.