હવે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપ
રમવા માર્ચમાં શિમલા જશે
રાજકોટ, તા. 16 (ફૂલછાબ ન્યૂઝ)
: તારીખ 23 મે, 1967ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ત્યારથી અત્યાર
સુધીના 57 વર્ષના ઈતિહાસમાં આજે પહેલી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભાઈઓની હેન્ડબોલની
ટીમ વેસ્ટ ઝોન ટ્રોફીમાં ચેમ્પિયન થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાષ્ટ્રીય કક્ષાની
વેસ્ટઝોન હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધાની યજમાની કરી હતી. જે ફળી છે, ખેલાડીઓની મહેનત ટ્રોફી
જીતી લાવતા આજે યુનિવર્સિટીમાં આનંદ-ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજિત
વેસ્ટ ઝોન યુનિવર્સિટીની હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધાનું આજે સમાપન થયું હતું. જેમાં યજમાન
ટીમ ચેમ્પિયન થતા સ્થાનિક વિદ્યાર્થીઓએ આ ક્ષણોને હર્ષથી વધાવી હતી. આ પ્રસંગે કુલપતિ
પ્રો. ડો. ઉત્પલ જોશીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલની ટીમ, કોચ તથા શારીરિક શિક્ષણ
નિયામક ડો. હરિશભાઈ રાબાને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે યજમાન ટીમે સાત મેચ રમ્યા
હતા. જેમાંથી ફાઇનલ સિવાયના તમામ મેચ હરિફ ટીમને ઓછામાં ઓછા 15 ગોલના માર્જિનથી હરાવ્યા
હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વર્તમાન
હેન્ડબોલ ભાઈઓની ટીમમાં 16માંથી 12 ખેલાડી નેશનલ રમી ચૂક્યા છે, જેના કૌશલ્ય, અનુભવનો
લાભ ટીમને મળ્યો હતો.
પ્રો. હરીશ રાબા, જેઓ પોતે પણ
ભૂતકાળમાં હેન્ડબોલના નેશનલ ખેલાડી રહી ચૂક્યા છે, તેમણે ‘ફૂલછાબ’ને આ જીતનો શ્રેય
ખેલાડીઓની સખત
મહેનત અને કોચના યોગ્ય માર્ગદર્શનને
આપતા જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી આપણા ખેલાડીઓ આ ટ્રોફી જીતવા માટે તનતોડ
મહેનત કરી રહ્યા હતા. છ મહિનાથી તેઓ મહેસાણા ખાતે હેન્ડબોલ એકેડેમીમાં ખાસ તાલીમ પણ
લઈ રહ્યા હતા. આ તમામ પરિશ્રમનો નીચોડ આજે વિજય ટ્રોફી મેળવીને સાર્થક થયો છે.