• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મચારી સાથે રૂપિયા 56 લાખની ઠગાઈ

મની લોન્ડ્રિંગનો ગુનો નોંધાયાના બહાને ધમકાવ્યા : ત્રણ દિવસમાં નાણાં પરત આપવાના બહાને ટ્રાન્સફર કરાવી ગઠિયા ટોળકીએ કળા કરી

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.7 : સાઈબર ગઠિયાઓ દ્વારા યેનકેન પ્રકારના બહાના કે સ્કીમના ઓઠા હેઠળ ઠગાઈ આચરવામાં આવતી હોય છે ત્યારે ઘણા સમયથી નકલી કોર્ટ, સીબીઆઈ અને મની લોન્ડ્રિંગના ગુના નોંધાયાના બહાને લોકોને ડરાવી ધમકાવી નાણાં પડાવવામાં આવતા હોવાના કિસ્સા સમયાંતરે પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મચારીને મની લોન્ડ્રિંગનો ગુનો નોંધાયાના બહાને ડરાવી ધમકાવી રૂ.પ6 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો સાઈબર ક્રાઈમ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે બેંક ખાતા અને મોબાઈલ નંબરના આધારે ગઠિયા ટોળકીની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હસનવાડીમાં રહેતા અને નિવૃત્ત બેંક કર્મચારી મહેન્દ્રભાઈ  અંદરજીભાઈ મહેતા નામના વૃદ્ધે વોટ્સએપ કોલ કરી પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી ડરાવી ધમકાવી રૂ.પ6 લાખની ઠગાઈ આચરનાર અજાણયા શખસો વિરુદ્ધ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર દીપકભાઈ પંડિતે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ કે.એસ.દેસાઈએ હાથ ધરી હતી.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી મહેન્દ્રભાઈ મહેતા ગત તા.11/7ના તેની પત્ની સાથે હોસ્પિટલે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી હિન્દીભાષી  શખસનો ફોન આવ્યો હતો અને મુંબઈ તિલકનગર પોલીસ મથકના પીઆઈ તરીકે ઓળખ આપી હતી તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જણાવી તેના ઉપરી અધિકારી વિનાયકનો મોબાઈલ નંબર આપી વાત કરવા જણાવ્યું હતું. આથી મહેન્દ્રભાઈએ આપેલા મોબાઈલ પર સંપર્ક કર્યો હતો પરંતુ ફોન લાગ્યો નહોતો. બાદમાં અન્ય બે મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને બેંક ખાતામાં તેની અઢી કરોડની બેલેન્સ હોય અને મની લોન્ડ્રિંગનો ગુનો નોંધાયો હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તેનું પકડ વોરંટ કાઢવામાં આવ્યું હોવાનું જણાવી તેની બેંક ખાતાની તેમજ મિલકતોની માહિતી આપી હતી અને ત્રણ ટાઈમ ફોટા પાડી મગાવવામાં આવ્યા હતા. બાદમાં તમામ નાણા મની લોન્ડ્રિંગના છે કે નહીં તે બાબતે તપાસ કરવાના બહાને ત્રણ બેંક ખાતામાં કુલ રૂ.પ6 લાખની રકમ ટ્રાન્સફર કરાવી હતી અને ત્રણ દિવસમાં આ રકમ પરત મળી જવાનું જણાવ્યું હતું ત્યાર બાદ છ દિવસ પછી અગાઉ આવેલા મોબાઈલ નંબરો પર સંપર્ક કરવામાં આવતા કોઈ સંપર્ક નહીં થતા અને સાઈબર ગઠિયાઓ કળા કરી ગયાની જાણ થતા મામલો સાઈબર ક્રાઈમ પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે મોબાઈલ નંબર અને બેંક ખાતાના આધારે સાઈબર ગઠિયાઓની શોધખોળ શરૂ કરી હતી.

............

 

ઇ-પેપરના નવા શુલ્ક