• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની વાંસજાળિયા શાખાના કેશિયરે કરી 34.45 લાખની ઉચાપત

મેનેજરનો વિશ્વાસ કેળવી કરી છેતરપિંડી : પોલીસ ફરિયાદ

(ફૂલછાબ ન્યુઝ)

જામનગર, તા.7: લાલપુરના મધુરમ એવન્યુમાં રહેતા અને જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિમીટેડની જોડિયા શાખામાં કાર્યકારી મેનેજર તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ હસમુખભાઈ પંડયા વાંસજાળિયા શાખામાં તા.ર3-10-ર0ર4થી કાર્યકારી મેનેજર તરીકે નોકરી પર હતાં. આ દરમિયાન તેમની સાથે આરોપી એવા ધવલ મનસુખભાઈ સાદરીયા જે કેશિયર તરીકે નોકરી કરતા હતાં. આ ભેજાબાજ કેશિયરે તા.ર3-10-ર0ર4 થી તા.ર8-10-ર0ર4 દરમિયાન બેંકના કામકાજના દિવસોમાં આ કામના રાહુલભાઈ હસમુખભાઈ પંડયાને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી બેંકની તિજોરીની ચાવી મેળવી લીધી હતી. ત્યાર બાદ બેંકની સિલક તરીકે રહેતી રોકડમાંથી રૂ.34,45,000 ઉપાડી લઈ બેંક સાથે ઠગાઈ કરી હતી. ત્યાર બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

હાલ બેંકમાં કાર્યકારી મેનેજર તરીકે ફરજ બજાવતા રાહુલ પંડયાએ તેમના સહકર્મચારી કેશિયર ધવલ મનસુખભાઈ સાદરીયા સામે ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થઈ ગયેલા કેશિયરની શોધખોળ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક