• શુક્રવાર, 08 નવેમ્બર, 2024

પરંપરા : ભારતમાં મહાકાળીની સૌથી વધુ વેશભૂષા પાલિતાણામાં નીકળે છે

પૃથ્વી પર આસુરી તત્ત્વોનો ત્રાસ વધી જવાથી દેવી-દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા ત્યારે દેવોમાંથી જે શક્તિપૂંજ ઉભો કરાયો તેને મહાકાલી કહેવામાં આવે છે

પાલિતાણામાં નીકળશે મહાકાળી યાત્રા

પાલિતાણા, તા.11 : નવરાત્રીની રાતોમાં રાસલીલા, ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક ભવાઈ, વેશભૂષા, રાસ આપવામાં ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ મંડળો દ્વારા લેવાતા સામુહિક રાસના સ્થાને હવે ઝડપી જમાનાની સાથે કદમ મેળવવા હવે ડિસ્કો ડાંડિયાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે પરંતુ પાલિતાણા શહેરમાં એક અનોખી પરંપરા ચાલી આવે છે જે આજના આધુનિક યુગમાં પણ ટકી રહી છે. પાલીતાણા શહેરમાં ગુજરાતમાં તો ઠીક પણ ભારતમાં ક્યાંય નહીં કઢાતી હોય તેટલી સંખ્યામાં મા કાલિકાની વેશભૂષા અહીં કાઢવામાં આવે છે. 

દંતકથા અનુસાર પરંપરાથી ચાલી આવતી માન્યતા મુજબ નવરાત્રીના નવ દિવસના અંતે અગિયારસની વહેલી સવારે માતાજીના ભૂવાઓ દ્વારા કાલિકા કાઢવામાં આવે છે. ઐતિહાસિક માન્યતા મુજબ પૃથ્વી પર આસુરી તત્ત્વોનો ત્રાસ વધી જવાથી દેવી-દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયેલા ત્યારે દેવોમાંથી જે શક્તિપૂંજ ઉભો કરવામાં આવ્યો તેને મહાકાલી કહેવામાં આવે છે.  મહાકાળી માતાને કાઢતી વખતે માતાજીના રક્ષણાર્થે એક બાજુ વીર રક્ષક રહે છે. આ વીર રાખડી બંધ ભૂવો હોય તેને બનાવવામાં આવે છે. બાદમાં સ્મશાન જવા માટે પ્રસ્થાન થાય છે. ડાકલા અને ઝાંઝના અવાજો સાથે પ્રયાણ થાય છે. જો કોઈ ઠેકાણે ચાર રસ્તા આવે તો ચાચર પૂરવામાં આવે છે. 

સાતધાન અને ગૌમુત્રની છાંટ રસ્તા પર છાંટીને જગ્યા પવિત્ર બનાવવામાં આવે છે. ભૂવાઓની ભાષામાં કહીએ તો ખાતા પુરવામાં આવે છે. સ્મશાને પહોંચી વિધિ કરવામાં આવે છે તેમાં રાવળ જોગીઓ દ્વારા માતાજીની પ્રશંસા યુક્ત શારણી ફેલાય છે. રાઉન્ડમાં માતાજીનું ખપ્પર મૂકી હેમખેમ પરત જવા માટે મંજૂરી માગવામાં આવે છે. 

11થી 12 જેટલા

માતાજીના ફુલેકા નીકળશે

પાલિતાણામાંથી લગભગ 11થી 12 જેટલા મહાકાળી માતાના ફુલેકા અલગ અલગ વિસ્તારોમાંથી કાઢવામાં આવે છે. સ્મશાને જતા રસ્તામાં દાણાપીઠ, સરાણિયા બજાર અને સ્મશાને લોકોની ભીડ ખૂબ જ હોય છે. પાલિતાણામાં ભૂવાઓની સંખ્યા અંદાજે 200 જેટલી છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક