• બુધવાર, 24 એપ્રિલ, 2024

કેસરની મીઠાશ અને મહેકનો મલક

સૌરાષ્ટ્રની ધરતીની ઓળખ નદી, નારી, અશ્વ સોમનાથ અને દ્વારકા ગણાય છે. પરંતુ આ મલકની એક ઓળખ આપણે કેસર કેરી પણ ગણી શકીએ. આ વર્ષે કેરીનો મબલક અને મીઠો પાક થયો છે. શરૂઆતમાં ખેડુતો અને વેપારીઓએ કહ્યું હતું કે પાક ઓછો થશે, ભાવ વધારે હશે પરંતુ માવઠાંના વાતાવરણ વચ્ચે પણ લોકોએ મનભરીને કેરી માણી છે. મબલક પાક આંબા પરથી માર્કેટ યાર્ડમાં અને ત્યાંથી લોકોના ઘરોમાં પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કેરીનો સારા પ્રમાણમાં પાક થયો છે. ગુણવત્તાવાળી અને સસ્તી કેરી લોકો ખાઈ શક્યા છે. 

તાલાલા માર્કેટ યાર્ડમાં તા. 4ને રવિવારના એક જ દિવસે કેસર કેરીના 47 હજાર ખોખાંની આવક થઈ. છેલ્લા છ વર્ષનો વિક્રમ તોડનારી આ સંખ્યા છે. આખી ઋતુની ફક્ત આ એક યાર્ડની આવક સાડા આઠ લાખ બોક્સ થઈ છે. તાલાલાની જેમ જ ગોંડલ યાર્ડમાં પણ એટલી જ આવક થઈ હોવાના વાવડ છે. આ વર્ષે કમોસમી વરસાદને લીધે આવક મોડી શરૂ થઈ હતી એટલે સીઝન હજી પખવાડીયું ચાલશે. સૌરાષ્ટ્રમાં કેરીની શરૂઆત થાય ત્યારે ધારી-અમરેલી વિસ્તારમાંથી આવવાનું  રુ થાય. ત્યાર બાદ તાલાલાથી કેરીનો પાક ઉતરે. ડીસેમ્બર-જાન્યુઆરીમાં વાવાઝોડું કે વરસાદ જેવી સ્થિતિ થાય એટલે તરત આગાહી થાય કે કેરીના પાકને અસર થશે. ઓછો પાક ઉતરશે અને ભાવ પણ ઊંચા રહેશે.

જો કે એપ્રિલ-મે આવતાં મબલક પાક ઉતરે. કેરીમાં એકવાર કદાચ મોર ન બેસે કે ખરી પડે તો પણ બીજીવાર ફાલ આવે. આ વર્ષે પણ સારો એવો પાક ઉતર્યો છે. ગત વર્ષની સરખામણીમાં 78 ટકા વધારે પાક થયો છે. સોરઠની કેસર કેરીનો સ્વાદ દેશના સીમાડા પણ વટાવી ચૂક્યો છે. હવે તો કેરીનો પલ્પ બનાવવા, બારે માસ ચાલે તે રીતે રસ બનાવવા માટે પણ કેરીની માગ રહે છે. તાલાલા પાસે પ્રોસેસિંગ પ્લાન્ટ પણ બન્યા છે. આંકોલવાડી ગીર અને આસપાસ ધમધમતા આ પ્લાન્ટ માટે કેરીની ખરીદી થાય છે. દરરોજ 30 ટ્રક આ પ્લાન્ટમાં જાય છે.

મહુવા પંથકમાં પણ કેરીનો પાક સારો થયો છે. કચ્છની કેરી તો હવે આવવાની શરૂ થશે. દર વર્ષે કમોસમી વરસાદ કે માવઠાંનું પ્રમાણ એકાદ વાર હોય આ વખતે સતત વરસાદ રહ્યો તેમ છતાં કેરીનો સ્વાદ સૌરાષ્ટ્રવાસીઓ અને અહીંથી જ્યાં જ્યાં કેરી જાય છે તેઓ માણી શક્યા. આ મલક મીઠાશનો છે તેનો કુદરતી પુરાવો આ કેસર કેરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક