• શુક્રવાર, 29 માર્ચ, 2024

રેલ દુર્ઘટના: કળ વળતાં વાર લાગશે

ઓરિસ્સાના બાલાસોરમાં શુક્રવારે થયેલી રેવલે દુર્ઘટનાથી આખો દેશ દુ:ખી છે. ત્રણ ટ્રેનની ટક્કરની ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે તેટલી જ કમકમાટી નિપજાવે તેવી છે. આ અકસ્માતમાં ગણતરીની ક્ષણોમાં 288 માનવજિંદગી ચગદાઈ ગઈ છે. આ વંચાતું હશે ત્યારે મૃત્યુઆંક વધી પણ ગયો હશે તેવી સંભાવના પૂરતી છે. અત્યાર સુધીમાં બનેલી રેલ દુર્ઘટનાઓમાં આનો ક્રમ ચોથો છે. તેના પરથી તેની વિભિષિકા સમજી શકાય તેમ છે. એકથી બીજા સ્થળે જવા નીકળેલા આ મુસાફરો માટે આ જીવનની અંતિમ સફર બની રહી. બનાવ એવો નથી કે તરત ભૂલી શકાય અને ઓરિસ્સાનું ભૌગોલિક અંતર દેશના અન્ય હિસ્સાથી જેટલું હોય તેટલું પરંતુ સમસંવેદના બધે સરખી વ્યક્ત થઈ રહી છે.

ટ્રેન ટકરાયાના સમાચાર પ્રાથમિક તબક્કે એવા આવ્યા કે ગુડ્સ ટ્રેન એક પેસેન્જર ટ્રેન સાથે ટકરાઈ ગઈ છે. ધીમે ધીમે મૃત્યુના સમાચાર વહેતા થયા, મૃત્યુ આંક વધતો ગયો અને ચોંકાવનારી વાત એ બની કે બે નહીં પરંતુ ત્રણ ટ્રેન ટકરાયાનું જાહેર થયું. સરકારી અને સંસ્થાકીય વ્યવસ્થા કામે લાગી ગઈ. ખુદ વડાપ્રધાન ઘટના સ્થળે પહોંચ્યા, દુ:ખ વ્યક્ત કર્યું. કહ્યું, જવાબદાર હશે તે કોઈને નહીં છોડવામાં આવે. વડાપ્રધાનના આ શબ્દો આશ્વાસન આપનારા છે પરંતુ અત્યારે તો સવાલ એ છે કે જવાબદાર કોણ?

ઓરિસ્સાની આ ગંભીર દુર્ઘટના માનવીય ભૂલને કારણે બની હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. લૂપલાઈન પર માલગાડી ઊભી હતી જેના કેટલાક ડબ્બા મુખ્યલાઈન પર પણ હોય તેવી શક્યતા છે. તે મુખ્યલાઈન પર  ઝડપથી દોડતી કોરોમંડલ ટ્રેન ટકરાઈ અને આ ન બનવું જોઈએ તે બની ગયું. સિગ્નલ આપવામાં થયેલી ભૂલને લીધે આ બન્યું તેમ પહેલી દૃષ્ટિએ નિષ્ણાતોને લાગે છે જો કે દુર્ઘટના પછીના 30 કલાક સુધી રેલ વિભાગ તે જાહેર કરી શક્યો નહોતો. હવેનો તબક્કો અગત્યનો છે.

બનાવ પછી તરત જ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ દુ:ખ વ્યક્ત કરવાની સાથે રેલવે મંત્રીનું રાજીનામું માગ્યું. સમગ્ર દુર્ઘટનાની ટીકા કરી. વિપક્ષ માટે તે સ્વાભાવિક છે. કોંગ્રેસના સમયમાં થયેલી દુર્ઘટનાઓ વખતે તેના વિપક્ષોએ ટીકા કરી હતી. આજે પણ કોંગ્રેસ શાસિત પ્રદેશમાં કંઈ થાય તો આપ કે ભાજપ ટીકા કરે. કોંગ્રેસની ટીકા આશ્ચર્ય પમાડે તેવી પણ નથી અને બહુ મહત્વની પણ નથી. આવું શા માટે બન્યું? તે અગત્યનું છે. વંદે ભારતના નામે દોડતી આધુનિક ટ્રેન, બુલેટ ટ્રેનની નિર્માણાધીન યોજના, મેટ્રો રેલવેની પટરીઓ જ્યારે દેશમાં દેખાઈ રહ્યા છે ત્યારે પણ આવા અકસ્માત તો બને જ છે. ભૂલ આખરે ભૂલ છે. માનવીય ભૂલ હોય કે કુદરતી હોનારત હોય જે થયું તે થયું જ છે પરંતુ નાની કે મોટી ભૂલ આખરે તો તંત્રની શિથિલતાના સગડ આપે છે. તેથી તપાસ અને કાર્યવાહી બન્નેની અનિવાર્યતા છે.

સરકારે તેની રીતે યુદ્ધની ગતિથી કામ શરૂ કર્યું છે. આર્થિક વળતરથી 288 કે જે મૃત્યુઆંક થાય તેમાંથી કોઈની જીંદગી પાછી આવવાની નથી. રેલવેના નુકસાન કરતાં આ જીંદગીઓનું નુકસાન વધારે મોટું છે. તંત્ર સામે વિપક્ષ આંખ કાઢે, પ્રજા નારાજ થાય તે તેનો અધિકાર છે. તંત્રે-સરકારે તકેદારી રાખવી જ જોઈએ તેવું કબૂલ્યા પછી પણ એટલું કહેવું પડે કે અકસ્માત આખરે અકસ્માત છે. તે ન જ થવો જોઈએ પરંતુ જો માણસ તેને રોકવા સમર્થ હોત તો તે અકસ્માત ન હોત. ઓરિસ્સાની રેલવે દુર્ઘટનાની કળ વળતાં વાર લાગશે. આ બનાવમાંથી શીખવાનું એ જ છે કે સાવ નાની બેદરકારી ઘણી મોટી બાબત માટે જવાબદાર નીવડી શકે. કર્મચારીઓની તાલીમથી લઈને તેમના કાર્યબોજ સહિતની અનેક બાબતોની ચર્ચાને અહીં અવકાશ છે પરંતુ થવાનું હતું તે થઈ ગયું છે. જોવાનું એ છે કે આવી દુર્ઘટના ન જ બને કે ઓછી બને. 

 

ઇ-પેપરના નવા શુલ્ક