• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

આ કુસ્તી ક્યારે પૂર્ણ થશે

મહિલા કુસ્તીબાજોનો સંઘર્ષ લંબાઈ ગયો છે. ઓલિમ્પિક રમતોના યજમાન બનવાનો મનોરથ સેવતી સરકાર કે પ્રશાસન આ મુદ્દે ખબર નહીં કેમ પરંતુ વધારે શિથિલ વલણ દર્શાવી રહી છે. કેન્દ્રીય મંત્રી બૃજભૂષણ ટસના મસ થતા નથી. સામે રમત વીરાંગનાઓ હવે આ લડતના મેદાનમાં પણ મક્કમતાથી લડી રહી છે. આમ તો કોઈપણ યુવતી સાથે સામાન્ય છેડછાડ પણ થાય તે સ્થિતિ સ્વીકાર્ય ન હોવી જોઈએ અને તત્કાલ પગલાં લેવાવા જોઈએ પરંતુ આપણે ત્યાં કમનસીબે એવું થતું નથી. દિલ્હીમાં સાક્ષી નામની છોકરીની હત્યાની અત્યંત કરુણ ઘટના સામે જે પ્રત્યાઘાત અને પ્રતિભાવ આવી રહ્યા છે તે આવવા જ જોઈએ પરંતુ આ મહિલા કુસ્તીબાજો માટે એટલી સહાનુભૂતિ આવશ્યક છે.

હવે જો કે ખાપ પંચાયત પણ આ રેસલર્સના સમર્થનમાં મેદાને આવી છે. ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ, ભાજપના સાંસદ બૃજભૂષણ શરણાસિંહ વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનના સમર્થનમાં ખાપ પંચાયતોએ બાંય ચડાવી છે. કુરુક્ષેત્રમાં બેઠક દરમિયાન આ મુદ્દે ગરમાગરમી પણ થઈ. રાકેશ ટિકૈતે આ મુદ્દે કહ્યું છે કે આ કંઈ તોપ અને તલવારની લડાઈ નથી પરંતુ પ્રજાની વૈચારિક લડાઈ છે. ઘણા સમયથી આ મુદ્દો ચાલે છે. મહિલા રેસલર્સ બૃજભૂષણ પર યૌન શોષણના ગંભીર રોપ લગાવી ચૂકી છે. પોલીસને તેમની વિરુદ્ધ સબૂત મળતા નથી તેવો લૂલો બચાવ પણ હવે જૂનો થઈ ગયો છે.

પોક્સો અંતર્ગત જ્યારે ફરિયાદ થઈ હોય ત્યારે મહિલા ફરિયાદીએ સાબિતી આપવાની જરુર રહેતી નથી. બર્ડન ઓફ પ્રૂફ એક એવી જોગવાઈ છે જેમાં આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવી પડે છે. સાંસદ આ મહિલા રેસલર્સને સતત પડકારી રહ્યા છે. સામે રેસલર્સ પણ પોતાની સાથે જે કંઈ થયું તેનો પુનરોચ્ચાર કરી રહ્યા છે. આ વાત હવે આંતર રાષ્ટ્રીય મોરચે પહોંચી ગઈ છે. જવાબદાર લોકોએ વચ્ચે પડીને શક્ય તેટલો આ કિસ્સો ઝડપથી પૂર્ણ કરવો જોઈએ. પુરાવા ન મળતા હોવાની પોલીસની વાત સાચી માની લઈએ તો પણ લોકોના મનમાં તો એવી છાપ જ પડે કે આ સાંસદ છે તેથી તેમની સામે પગલાં લેવાતા નથી. મેદાનની બહાર ચાલતી આ કુસ્તી ઝડપથી બંધ થવી જોઈએ. રમતવીરોના નૈતિક જુસ્સાનો પણ ખ્યાલ રાખવો જરુરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક