• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

વિદેશની ધરતી પર રાહુલના વિવાદાસ્પદ નિવેદન

રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશની ધરતી પરથી વડાપ્રધાન વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યાં છે. રાહુલ ગાંધી કે વિરોધપક્ષના અન્ય કોઈપણ નેતાને નરેન્દ્રભાઈ સામે વાંધો હોય તે સમજી શકાય પરંતુ તેની અભિવ્યક્તિ દેશની સરહદમાં રહીને હોય. પારકી ધરતી પર આપણા દેશને વગોવવાનો અર્થ નથી. આ જ વાત ભાજપના કોઈ નેતાને પણ લાગુ પડી શકે પરંતુ મર્યાદાભંગના કિસ્સા બનતા રહે છે. રાહુલે બે દિવસ પહેલાં જે કંઈ કહ્યું તેની ચર્ચા હજી ચાલુ હતી ત્યાં આજે તેણે મુસ્લિમ લીગ વિશે નિવેદન કરીને વધુ એક ખોટું પગલું ભર્યું છે. પ્રથમ વાત તો એ છે કે પરદેશ જઈને આપણા દેશની આંતરિક વાતો કરવાનો અર્થ શું, બીજું એ કે કોઈ પક્ષના કોઈ નેતા એકબીજા માટે સારું નથી બોલી શકતા તોય ઘસાતું બોલવાની જરૂર નથી.  ભારત-પાકિસ્તાનના વિભાજનમાં જેની વરવી ભૂમિકા હતી તે મુસ્લિમ લીગને સેક્યુલર કહેવાથી પરિણામ શું આવે તેની ખબર સામાન્ય માણસને પડતી હોય તો રાહુલ ગાંધીને પડવી જોઈએ. જિન્ના વિશે લાલકૃષ્ણ અડવાણીએ કરેલાં નિવેદનની અસર શું થઈ હતી તે જાણીતી વાત છે.

વડાપ્રધાન કે કોઈપણ નેતા સામે વિરોધ હોય. વાંધો હોય તો હોય. લોકશાહી આવા વાંધા પર ચાલતી વ્યવસ્થા છે. પરંતુ આખરે વડાપ્રધાન બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ છે. તેમની ગરિમા જાળવવી જ જોઈએ. ચૂંટણી સભા કે સંસદના ગૃહમાં ટીકા કરવાનો અધિકાર છે. જાહેર મિટિંગમાં કોઈપણની વિરુદ્ધ નિવેદન કરવા અને વિદેશની ધરતી પર કરવા બન્નેમાં ફેર છે.

રાહુલ ગાંધી વિદેશી ધરતી ઉપર ભારત વિરોધીઓના ખોળામાં અથવા ખભા ઉપર બેસીને મોદી તથા ભારતને ભાંડવા માટે જાણીતા છે. પૂર્વ આયોજિત હોય છે. રાહુલ ગાંધીએ કૅલિફોર્નિયામાં ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસ દ્વારા આયોજિત ‘મોહબ્બત કી દુકાન’ કાર્યક્રમમાં ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર મનફાવે તેવી બેફામ ટીકા વરસાવી પોતે સેક્યુલર છે એમ બતાવવા માટે મોદી દ્વારા ‘સાષ્ટાંગ દંડવત’ની હાંસી ઉડાવી અને મુસ્લિમો ઉપરાંત ખ્રિસ્તી, આદિવાસી, દલિત વર્ગને અન્યાય - અત્યાચાર થતા હોવાના આક્ષેપ કર્યા, ભારતમાં એવા લોકો છે જે માને છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે અને ભગવાનને પણ ‘ભણાવી’ - સમજાવી શકે છે! વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમાંના એક છે. તેમણે કહ્યું કે, આજે ભારતની વિચારધારા ભયમાં છે. આજે જે મુસ્લિમોની સાથે થઈ રહ્યું છે તે છેલ્લી સદીના એંસીના દશકામાં દલિતો સાથે થતું હતું. રાહુલે કહ્યું કે જો વિપક્ષ વ્યવસ્થિત રીતે ગઠબંધન કરે તો ભાજપને હરાવી શકાય છે, કૉંગ્રેસ આના માટે કામ કરી રહી છે.

રાહુલ ગાંધી જે સમયની વાત કરી રહ્યા છે તે સમયે તો દેશમાં અને ઉત્તર પ્રદેશમાં પણ કૉંગ્રેસની સરકારો હતી એટલે કે રાહુલ ખુદ વિદેશમાં સ્વીકાર કરી રહ્યા છે કે જ્યારે કૉંગ્રેસનું શાસન હતું ત્યારે દલિતો અને લઘુમતીઓ પર અત્યાચાર થતો હતો. નરેન્દ્ર મોદીએ દેશમાં સાંપ્રદાયિક વોટ બૅન્કની રાજનીતિ ખતમ કરી દીધી છે અને સબ કા વિકાસથી મુસ્લિમ સમુદાય પણ ભારતની પ્રગતિનો હિસ્સો બની રહ્યા છે તે રાહુલજી માટે અસહ્ય છે. દુનિયામાં ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે તેથી અહંકારી ગાંધી-નેહરુ પરિવારનો ઉન્માદ વધી જતો લાગે છે. દુનિયા મોદીને ‘બૉસ’ કહી રહી છે તે કૉંગ્રેસને પેટમાં ચૂંક ઉપડે છે!  લંડનની મુલાકાત વખતે પણ તેમણે આવું કર્યું હતું

કાશ્મીરને લઈને એમણે કરેલાં કેટલાંક નિવેદનોને તો પાકિસ્તાન અને ચીન પોતાની ઢાલ બનાવી ચૂક્યા છે. રાહુલ ગાંધીને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ પોતાના બોલની શું અસર થશે તેનું ભાન નથી અથવા તો જાણીબૂઝીને ભારતની બદનામી કરી રહ્યા છે. એમની પાસે આશા રાખવાનો કોઈ અર્થ નથી. કારણ કે મોદીવિરોધ અંધવિરોધમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે અને ભારતવિરોધ બની ગયા છે. રાહુલ ગાંધીનું તાજું નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે, કૉંગ્રેસ મુસલમાનોનાં મનમાં કાલ્પનિક ભયનું ભૂત ઊભું કરી તેમના વોટ હાંસલ કરવાની પોતાની જૂની નીતિ પર ઊતરી આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક