• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

કૃષિક્ષેત્રનું કુરુક્ષેત્ર : પેકેજ પછીનું રાજકારણ

ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે પરેશાન થયેલા ખેડૂતોની વહારે સરકાર આવી, રાહત પેકેજની જાહેરાત થઈ તે પૂર્વે પોષણક્ષમ ભાવે જણસની ખરીદી શરૂ થઈ પરંતુ કૃષિક્ષેત્ર તો તે પછી પણ રાજકીય કુરુક્ષેત્ર બન્યું છે. જે રીતે વિવિધ રજૂઆતો થઈ રહી છે તે જોતાં ખરેખર સ્થિતિ શું છે? ખેડૂતનું નુકસાન વાસ્તવમાં કેટલું છે? તે અંગે ક્યારેક સવાલ ઊભા થાય એવી સ્થિતિ થઈ છે. જેમ ધર્મેન્દ્ર જેવા લોકપ્રિય કલાકારના અવસાનના ખોટા સમાચારમાં સોશિયલ મીડિયાની ભૂમિકા જવાબદાર ગણાવાઈ રહી છે તેમ અહીં પણ ખેડૂતોની સાચી વાત કરતાં બન્ને તરફનો અતિરેક બહાર આવી રહ્યો છે. છેલ્લા બે દાયકામાં ન થયો હોય તેવો કમોમસી વરસાદ આ વખતે થયો તેને લીધે ખેડૂતોની હાલત ઘણી ખરાબ થઈ છે, આ બાબતને રાજકીય લાભ અને રાજકીય આક્ષેપો બન્નેથી પર રાખવી જોઈએ.

ચોમાસા પછી પણ સતત વરસેલા વરસાદને લીધે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ થઈ હોવાની વાત જરા પણ અસત્ય કે અતિરેક નથી. મગફળી, કપાસ, સોયાબીનના પાકને અને યાર્ડમાં પડેલી આ વસ્તુઓને પારાવાર નુકસાન થયું હતું. ખેડૂતોની માગ સતત હતી કે તેમના માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. સરકારે ઈનકાર કર્યો નહોતો પરંતુ જે સમય લાગે તે તો લાગે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશથી ત્રણ જ દિવસમાં આ કાર્ય પણ પૂર્ણ થયું હતું. સરકારે અગાઉ ક્યારેય ન કર્યું હોય તેવું 10000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. જેવી પેકેજની જાહેરાત થઈ એટલે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ વિરોધ શરૂ કર્યો. પેકેજને મજાક પેકેજ ગણાવ્યું. 50 હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની માગ કરી. કોંગ્રેસની તો આક્રોશ યાત્રા પણ આ મુદ્દે ચાલી રહી હતી. હવે આ આખી પ્રક્રિયા જોઈએ તો તેમાં વિરોધપક્ષ બોલ્યા છે પરંતુ ખેડૂત પોતે શું માને છે તેની કોઈ વાત કરતું નથી. ખરેખર જે અસરગ્રસ્ત છે તેમનું શું કહેવાનું છે? તે કોઈ પૂછતું નથી. ખેડૂતના નામે નિવેદનો થઈ રહ્યાં છે, ખેડૂતના આત્મનિવેદન લેવા કોઈ જતું નથી.

સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેટલાક સ્થળે પ્રતિકૂળતા થતી હોવાના અહેવાલ આવી રહ્યા છે. સરકારે તેના માટે સઘન અને સત્વરે પ્રયાસ કરવા જ જોઈએ. રાહત પેકેજ જેવડું પણ આપે તે નુકસાનની સામે ઓછું જ લાગવાનું તે સમજી શકાય. આખરે તે રાહત છે, સંપૂર્ણ નુકસાન તેનાથી ભરપાઈ થવાનું નથી. છતાં સરકારે ખેડૂત અગ્રણીઓ સાથે પરામર્શ કરીને જરૂરી પગલાં લેવા જોઈએ તે વાત સાચી છે. ખેડૂતના દેવાં માફ કરવાની માગણી પણ વિપક્ષ કરી રહ્યો છે. રાજ્ય કે કેન્દ્ર સરકારે સમગ્ર અર્થતંત્ર વિશે વિચારવાનું હોય. ખેડૂતોની મુશ્કેલી માટે અગ્રતા હોવી જ જોઈએ. અહીં તો ખેડૂતના નામે રાજકીય નિશાન પાર પાડવામાં આવી રહ્યા હોવાનું જણાય છે. સરકારે ખેડૂતની ચિંતા કરવી જ જોઈએ, જે કંઈ માગ હોય, જરૂર હોય તે પૂરી કરવી જોઈએ પરંતુ જ્યારે તે વર્ગ મુશ્કેલીમાં છે ત્યારે ફક્ત આક્ષેપો કરી, રાડો પાડીને વાતાવરણ બગાડવાથી સૌએ દૂર રહેવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક