મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરીલી દવા-કફ સિરપનું સેવન કર્યા પછી બાળકોના થયેલા મોતની ઘટનાને જે ગંભીરતાથી લેવાવી જોઈએ તે લેવાઈ રહી નથી. તપાસ અને કાર્યવાહીની વાત થાય છે પરંતુ તેમાં કોઈને વિશ્વાસ બેસતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેનું આ ઉત્તરદાયિત્વ છે. લોકોને ચિંતિત કરનારા આ પ્રકરણમાં જેને ઠોસ કહેવાય છે તે કાર્યવાહી શિથિલતાથી થઈ રહી છે. બીજી બાબત એ છે કે આવી ઝેરીલી દવાના ઉત્પાદન અને વેચાણ માટેની આ દોષયુક્ત પ્રક્રિયાને મૂળથી ઠીક કરવાના પ્રયાસ ક્યાંય હજી સુધી અનુભવાઈ રહ્યા નથી. તામિલનાડુની શ્રીસન ફાર્માસ્યુટીકલ દ્વારા જે કફસિરપ તૈયાર થયું હતું તેની ગુણવત્તાનું પરીક્ષણ કેમ થઈ શક્યું નહીં તે કોઈને ખબર નથી. જીવલેણ બનેલી આ ઘટના માટે જવાબદાર કોણ ?
અહીં
સ્થાનિક કે રાજ્ય પ્રશાસનની તો જવાબદારી છે સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની
સંવેદનશીલતા પણ આવશ્યક છે. દવાની ગુણવત્તાની ચકાસણી અલબત્ત રાજ્યની એજન્સીઓ- ફૂડ ડ્રગ
વિભાગ કરે છે તે વ્યવસ્થા જૂની છે જ પરંતુ સીડીએસસીઓ જેવી એજન્સીની ભૂમિકા પણ આવા કિસ્સ
વખતે તો અગત્યની છે. નકલી કે ઝેરીલી દવા બને કે વેંચાય તે કોઈ સત્તામંડળનો ઇરાદો ન
હોય પરંતુ આવું થયા પછી ત્વરિત પગલાં તો આવવાં જોઈએ. કફ સિરપના ઉપયોગને લીધે બાળકોના
મૃત્યુ થયા તે કિસ્સામાં અત્યંત કડક કાનૂની કાર્યવાહી અને સજા જો નહીં થાય તો આવાં
આવા કામ કરનાર કે બેદરકારી રાખનારને કોઈ ડર રહેશે નહીં કે તેમના ઉપર નિયંત્રણ નહીં
રહે. દેશમાં કે ગુજરાતમાં અનેક એવી ઘટના બની જેના આરોપીઓને અપેક્ષિત સજા થઈ નથી તેની
ચર્ચા સર્વત્ર થઈ છે. રાજકોટનો અગ્નિકાંડ, મોરબીની પુલ દુર્ઘટના કે એવા બનાવ લોકોને
યાદ છે. આ ઝેરીલી દવા લેવાથી પણ બાળકોના મૃત્યુ થયા છે. સજાપાત્ર હોય તેને સજા થવી
જોઈશે.
ખાદ્યપદાર્થોમાં
ભેળસેળ, રોપ-વે કે સેતુ નિર્માણની બેદરકારી તે તમામ બાબતો ગંભીર છે પરંતુ લોકો હોટલમાં
જમ્યા વગર હજી ચલાવી શકે અથવા તો આરોગ્યના સ્તર જળવાતાં ન હોય તેવી હોટલોમાં ભોજન લેવા
જનાર લોકોની પોતાની પણ બેદરકારી છે તેવું કહી શકાય પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે લેવામાં
આવતી દવા જો મોતનું માધ્યમ બને તો શું કરવું? આ સ્થિતિ નિયંત્રણમાં લેવી હોય તો આકરી
સજાનો કોઈ વિકલ્પ નથી. કોરોના સમયે દવા અને વેક્સિન બાબતે વિશ્વસ્તરે ઉલ્લેખનીય કામ
કરનાર ભારત સામાન્ય સંજોગમાં આવી બેદરકારી કેવી રીતે ચલાવી લઈ શકે?