રાહુલ ગાંધીએ ભારતનું અર્થતંત્ર મૃત:પ્રાત - ડેડ છે - એવું નિવેદન કરીને જાણે વાઘ માર્યો હોય તેમ છાતી ફૂલાવી રહ્યા છે. ટ્રમ્પને પેટમાં દુ:ખે તેથી માથું કૂટી રહ્યા છે અને બ્રિટનના વડા પ્રધાન 125 ઉદ્યોગપતિઓના કાફલા સાથે ભારત પધાર્યા છે તે જોઈને રાહુલ ગાંધીના પેટમાં તેલ રેડાયું છે! ટ્રમ્પને ટાંકીને ભારતનું અર્થતંત્ર ડેડ હોવાનું કહે છે - બ્રિટનના ઉદ્યોગપતિઓને ભડકાવી રહ્યા છે - પણ ઉદ્યોગપતિઓ બાળકબુદ્ધિના નથી - અર્થતંત્ર નહીં પણ રાહુલ ગાંધીની અભિલાષા - આશા ‘ડેડ’ હોય એમ લાગે છે! કમસે કમ ભારતની ધરતી ઉપરથી તો આવી ભાષા - કે આશા વ્યક્ત કરવી નહીં - એવી સલાહ એમનાં પૂજ્ય માતુશ્રી પણ નહીં આપતાં હોય?
વિકસિત
ભારતનો માર્ગ મુંબઈથી શરૂ થાય છે. વિકસિત હિંદનો દ્વાર મુંબઈમાં છે: બ્રિટિશ વડા પ્રધાન
પહેલી વખત પધાર્યા છે પણ ઘણા ઉદ્યોગપતિઓએ જૂના અને નવા મુંબઈની જાહોજલાલી જોઈને સરખાવી
હશે. હજુ હાલમાં જ શિવસેના (બાળાસાહેબ)ના ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં કહ્યું કે મુંબઈ સુધરાઈની
ચૂંટણીમાં વોટ આપવા પહેલાં વિચાર કરજો - મુંબઈ અદાણીને વેચાઈ જાય નહીં! હવે નવી મુંબઈનું
ઍરપોર્ટ અને મુંબઈના વિકાસ માટેની યોજનાઓ જોઈને એમને લાગતું હશે કે અદાણીએ મુંબઈ લઈ
લીધું - જીતી લીધું છે!
મહારાષ્ટ્રનો
વિકાસ અને હિત ઇચ્છતા તમામ રાજકીય ખેરખાંઓ અંબાણી - અદાણીનો વિરોધ કરવાને બદલે ભારતના
આર્થિક પાટનગર મુંબઈના વિકાસ માટે ગૌરવ અનુભવે તે જરૂરી છે.
મુંબઈ-મહારાષ્ટ્રના
ઉદ્યોગો ગુજરાતમાં ખેંચાતા હોવાની હૈયાવરાળ બંધ કરીને મુંબઈ-મહારાષ્ટ્રના વિકાસનું
હિત હૈયે અને હોઠે હોવું જોઈએ.