• મંગળવાર, 24 જૂન, 2025

ખમ્મા ગિરને, ખમ્મા ખમ્મા..

મે માસની દસમી થી તેરમી તારીખ સુધી ગિરમાં યોજાયેલી સિંહની વસતી ગણતરીના તારણોથી સોરઠમાં ‘મોજના ફૂવારા’ છૂટયા છે. ગિર અને વિવિધ વિસ્તારોમાં વિહાર કરતા સિંહોની સંખ્યા 891 થઈ છે. ધારણા 700 સિંહની હતી પરંતુ આ સંખ્યા તો અનેકગણી વધારે આવી છે. રાજ્યના વનતંત્ર, સાસણ, જૂનાગઢ અને અન્ય તમામ રેન્જ-વિસ્તારના વનવિભાગના તદ્દન સામાન્ય કર્મચારી- પગીથી શરુ કરીને ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકારને આ ઘટના માટે અભિનંદન આપવાં રહ્યાં. પૃથ્વી ઉપર અનેક જંગલોમાં, વિસ્તારમાં જીવજંતુથી લઈને મહાકાય પ્રાણીઓ લુપ્ત થતા હોવાના ચિંતાજનક અનેક દૃષ્ટાંત છે તે સમયે એશિયાટિક લાયનની એકમાત્ર ભ્રમણભૂમિ એવાં ગિર-સૌરાષ્ટ્રમાં સિંહની સંખ્યામાં થઈ રહેલો ઉત્તરોત્તર વધારો અહીંના પ્રાણીલક્ષી પર્યાવરણ અને વન્યસૃષ્ટિના જતનની નિષ્ઠાની સાક્ષી પૂરે છે.

પ્રાણીઓની સંખ્યામાં વૃદ્ધિ, ઘટાડો તે કુદરતી બાબત છે. સિંહોના વસવાટ માટેનું નૈસર્ગિક વાતાવરણ, ગિરની અંદરથી વહેતી હીરણ, શેતલ, ઓઝત, મેઘલ, મચ્છુન્દ્રી, સિંગવડો સહિતની નદીઓ, ગિરની વનસ્પતિ અને તેને લીધે તૃણાહારી પશુઓની વસતી સહિતના કારણો સિંહની મોટી સંખ્યા માટે ખરાં જ.પરંતુ વનસંરક્ષણ જેવી બાબતોના માનવીય પ્રયાસો પણ તેમાં કામ તો આવે. આ વર્ષે ગિર, બૃહદગિરમાં વસતા સિંહોની સંખ્યા 891 થઈ છે જે 2020માં થયેલી સંખ્યાની સરખામણીમાં 217 વધારે છે. 2001માં 327 સિંહ હતા. 24 વર્ષમાં 564 સિંહની વૃદ્ધિ થઈ છે. 2020માં ગિરમાં 674 સિંહ હતા. 1995થી જો કે ગિરમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષોથી પ્રવાસીઓનું, પર્યાવરણપ્રેમીઓનું આકર્ષણ ગિર માટે, ગિરના સિંહો માટે રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલો અને અન્ય માધ્યમોએ ગિરની નોંધ વારંવાર લીધી છે. 2007માં ગિરના જંગલને શિકારીઓની બૂરી નજરે અભડાવ્યું તે પછી રાજ્યનું વનતંત્ર વધારે ગંભીર બન્યું હતું. ભાજપની રાજ્ય સરકારો, મુખ્યમંત્રીઓએ સિંહ સંવર્ધનને મહત્વ આપ્યું છે.

2010માં  નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને પ્રવાસન ક્ષેત્રે વિરાટ અભિયાન છેડાયું તેમાં પણ ગિરને ઉજાગર કરાયું. 2008 પછી ગિરનું વનસંરક્ષણ જાણે સરકારની અગ્રતા રહી હતી. સાસણ, દેવળિયા નેશનલ પાર્કમાં સિંહોનું જતન થયું. અમરેલી વિસ્તારમાં આંબરડી નેશનલ પાર્ક પણ બનાવાયો. સિંહનો ખોરાક બની શકે તેવા તૃણાહારીઓની સંખ્યા પણ સતત વધતી ચાલી. ગિરના માલધારીઓ, ગિરની આસપાસ વન વિસ્તારની બહાર વસતા લોકો સિંહ સાથે અનુકૂલન સાધી શકે તે માટેની જનજાગૃતિ કેળવવાની વિશેષ ઝુંબેશ પણ હાથ ધરાઈ. સ્વૈચ્છિક સંસ્થાઓ, પર્યાવરણપ્રેમીઓ, વન્યપ્રાણીવિદોએ તેમાં સહયોગ આપ્યો, આપી રહ્યા છે. ખુલ્લા કૂવાની આસપાસ પાળી બનાવવી, લોખંડની જાળીથી તેને ઢાંકી દેવા, ઊનાળામાં કૃત્રિમ જળત્રોત ઊભા કરી સિંહની તરસ છીપાવવા સુધીના પગલાં તંત્રે લીધા છે. સિંહની સુરક્ષાના સાતત્યપૂર્ણ પ્રયાસ ચાલુ છે જેમાં રેલવે લાઈનથી લઈને ખેતરની આસપાસ મૂકાતી ઈલેક્ટ્રિક લાઈન પરના પ્રતિબંધ સુધીનો સમાવેશ છે.

વનમાં સતત ફરતા રહેતા પગી નામે ઓળખાતા કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યને ગંભીરતાથી લીધું. સિંહ સૌરાષ્ટ્રના પરિવારનો અગત્યનો હિસ્સો છે તેવી માન્યતા તંત્ર અને લોકોમાં દૃઢ છે. સિંહ માટે સાસણમાં આધુનિક સાધનો સાથેની હોસ્પિટલ કાર્યરત છે. વાયરસથી બચવા સિંહના રસીકરણ થાય છે. માલધારીના પશુ સિંહનો શિકાર બને તો તેઓને સરકાર વળતર ચૂકવે છે, સામે એવા અનેક માલધારી છે જેઓ સિંહને પણ પોતાના રોજિંદા જીવનનો હિસ્સો માનીને આ વળતર લેતા નથી. તેઓ કહે છે, જેના દૂધ-ઘી વેંચીને અમે બે પાંદડે થયાં તે ગાય-ભેંસના લોહીના પૈસા નથી જોતા. ગિરની પ્રજાની આ વિશેષતા કે ખુમારી છે. સિંહ સંવર્ધન માટેના જેટલાં પગલાં સરકાર લે છે તે રીતે જ ગિરની પ્રજા પણ તેને સહયોગ આપે છે. હિંસક પ્રાણી અને માનવીઓનું આવું સહઅસ્તિત્વ વૈશ્વિક સ્તરે નોંધપાત્ર છે.

સિંહને મધ્યપ્રદેશના કૂનો-પાલપુર જંગલમાં ખસેડવાની દરખાસ્ત આવી હતી ત્યારે, 2013માં ગિરની આસપાસના ગામો, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોએ આ મુદ્દે લોકઆંદોલન ચલાવ્યું હતું. ગામેગામ સિંહ તો સૌરાષ્ટ્રમાં જ શોભે તે પ્રકારના અભિયાન ચાલ્યા હતા. રેલીઓ નીકળી હતી.  ગિરમાં વધતા બાંધકામ, હોટલ-રિસોર્ટ સહિતની બાબતોની ચર્ચા સતત થતી રહી છે. પર્યાવરણને, વન્યસંપદાને સાચવવામાં આ બધું બાધારુપ છે જ. જોકે તેમ છતાં સિંહની વસતી તો વધી છે.

એક સમયે સિંહદર્શન એટલે ફક્ત સાસણ એવું હતું. પરંતુ ગિરનો વિસ્તાર વધ્યો, હવે બૃહદગિર કહેવાય છે. પોરબંદર પંથકમાં બરડામાં પણ સિંહ છે, આ વખતે સિંહનો સૌથી મોટો પરિવાર તો જોવા મળ્યો ભાવનગર વિસ્તારમાં. ગિરની ક્ષમતા વધુમાં વધુ 300 સિંહોની છે. પરંતુ હવે ગિરની બહાર સિંહ છે અને લોકો પણ તેને સાચવે છે.સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકામા 35000 ચોરસકિલોમીટર વિસ્તારમાં સાવજનો વિહાર છે. તે જ દર્શાવે છે કે ફક્ત વનવિસ્તાર નહીં, તેની આસપાસના ગામો પણ સિંહને અનુકૂળ છે. ગિર ફક્ત વન નહીં હવે મોટો વિસ્તાર છે. ગિરમાં અને રાજ્યના અન્ય વિભાગોમાં હિંસક અને શાકાહારી, તૃણાહારી અનેક પશુઓ-પ્રાણીઓ વસે છે પરંતુ સિંહ માટે સૌરાષ્ટ્રવાસીઓનો લગાવ અલગ છે. સિંહ સૌરાષ્ટ્રનું ગૌરવ છે. સૌરાષ્ટ્ર સિંહનું ઘર છે.

આ એ પ્રાંત છે જ્યાં લોકસાહિત્યમાં સિંહકથાઓ છે, સિંહ વિશેની પ્રખ્યાત કવિતા ચારણકન્યા છે. અકૂપાર નામે ધ્રુવ ભટ્ટની નવલકથા છે અને આધુનિક માધ્યમમાં વિવિધ રીલ્સમાં પણ સિંહ, ગિર બધું જોવા મળે છે. ગિર છે તો સિંહ છે, સિંહ છે તો ગિર છે. આ વાત અહીંની પ્રજા બરાબર સમજે છે.ગિરમાં દીપડા, હરણ તો છે પરંતુ ગિરમાં વૈવિધ્યસભર પક્ષીસૃષ્ટિ પણ છે. ગિરની નદીઓ, ગિરની અંદરના પર્વતો, નેસની સંસ્કૃતિ છે, ધાર્મિક જગ્યાઓ છે, તીર્થો છે અને તે બધાના કેન્દ્રમાં છે સિંહ. સિંહની આટલી મોટી સંખ્યા એ સૌરાષ્ટ્રની પ્રજા, વનવિભાગ, પર્યાવરણપ્રેમીઓ સૌના સહિયારા પ્રયાસનું પરિણામ છે. કુદરતે આપેલી આ સંપદા જાળવવાની ફરજ પણ હવે આ જ તંત્રની, પ્રજાની છે.  

ઇ-પેપરના નવા શુલ્ક