ભારતે
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ પર ગેરકાયદે
કબજો કરી રહ્યું છે, જે ખાલી કરવો જોઈએ. આ ટિપ્પણી સોમવારે યુએન એમ્બેસેડરમાં ભારતના
સ્થાયી પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું,
છે અને હંમેશાં રહેશે. સિક્યોરિટી કાઉન્સિલની ઓપન ડિબેટ દરમિયાન પાકિસ્તાને જમ્મુ અને
કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે આ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાનના
ગેરકાયદે કબજાથી ‘પીઓકે’ પાછું લેવા માટે ભારતે નક્કર પગલાં સાથે આગળ વધવાનું રહેશે.
યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાન વારંવાર કાશ્મીર રાગ આલાપે છે. રૂટીન ચર્ચામાં પણ પાકિસ્તાન
કાશ્મીરનો વિષય છેડે છે અને ભારતે દરેક વેળા તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ વેળા પણ
પીસ કીપિંગ ચર્ચા દરમિયાન જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર એલફેલ વાત કરી ત્યારે ભારતે
ટૂંકમાં કહ્યું કે પાકિસ્તાને ‘પીઓકે’ ખાલી કરવું પડશે.
પાકિસ્તાનના
બંધારણ પ્રમાણે પણ, પીઓકે પાકિસ્તાનનો હિસ્સો નથી. પાકિસ્તાનના બંધારણની કલમ ક્રમાંક-1
કહે છે કે પાકિસ્તાનમાં બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનવા, પંજાબ અને સિંધ પ્રાંત છે. પાકિસ્તાનના
બંધારણમાં પીઓકેનો ઉલ્લેખ આર્ટિકલ 57માં કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે
કે પીઓકે પાકિસ્તાનનો હિસ્સો ત્યારે બનશે જ્યારે ત્યાંના લોકો અમારાથી જોડાવા ઈચ્છશે
અર્થાત્ લોકમત લેવાય ત્યારે.
પાકિસ્તાન
સરકારે મે, 2024માં ઇસ્લામાબાદ હાઈ કોર્ટમાં કહ્યું હતું કે પીઓકે વિદેશી જમીન છે.
આ દરમિયાન પાકિસ્તાનના એટર્ની જનરલે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિદેશી
જમીન છે. આ પછી પાકિસ્તાને પીઓકેથી પોતાનો ગેરકાયદે કબજો હટાવવો જોઈએ અને યુએનમાં વારંવાર
રટણ નહીં કરવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે કેવળ વાતોથી અને નિવેદનોથી ભારતને પીઓકે
હાંસલ નથી થવાનું. આ માટે આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સામરિક દબાણ વધારવાનું રહેશે.
આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ પણ પીઓકે માટે કરવાનો રહેશે. શક્તિશાળી દેશો સાથે મજબૂત
સંબંધો પછી હવે ભારતે પીઓકેની દિશામાં અસરકારક પગલાં પર વિચાર કરવો જોઈએ. પાકિસ્તાનનું
માનવું છે કે પીઓકેના લોકો જ્યારે જોડાવા ઈચ્છશે, ત્યારે તે તેનો હિસ્સો હશે. ભારતે
પાકિસ્તાનના બંધારણની આ સ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઈએ કારણ કે ભૂતકાળમાં અનેકવેળા પીઓકેના
લોકો પાક એસ્ટાબ્લિશમેન્ટની વિરુદ્ધ શેરીઓમાં ઊતરી આવ્યા છે. પીઓકેના લોકોએ ભારતમાં
જોડાઈ જવા માટે જનમત દ્વારા આગળ આવવું જોઈએ. પીઓકેમાં પાકિસ્તાન વિરોધી આંદોલન ભારત
માટે એક અવસર જેવું છે.
1947માં
જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિસિંહે ભારતમાં વિલય માટે હસ્તાક્ષર પણ કર્યા હતા.
આ કાયદાકીય સ્થિતિ ભારતની તરફેણમાં છે. જેનાથી ભારત પીઓકે હાંસલ કરી શકે છે. છેલ્લાં
ચાર યુદ્ધ દરમિયાન ભારતે પીઓકે અને ગિલગિટ બાલિસ્તાનને હાંસલ કરવાની તકો ગુમાવી છે.
શાંતિના માહોલમાં મંત્રણાથી ભારત પીઓકે હાંસલ કરી શકે એવી આશા વ્યર્થ છે.