• રવિવાર, 27 એપ્રિલ, 2025

ડિલિમિટેશનનો વિવાદ

ડિલિમિટેશન એટલે પરિસીમનના મુદ્દાને લઈને દ્રમુક દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં 1971ની વસ્તીગણતરીના આધાર પર આગલાં 25 વર્ષો સુધી સંસદીય બેઠકો યથાવત્ રાખવામાં આવે એટલે કે એમાં કોઈ છેડછાડ કરવામાં આવે એવી માગણી દક્ષિણી રાજ્યોએ કરી છે. વસ્તીગણતરીના આધાર પર પ્રસ્તાવિક પરિસીમન (લોકસભાની રાજ્યવાર બેઠકો) દક્ષિણી રાજ્યો માટે ન્યાય સંગત નહીં હોય. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પરિસીમનની વિરુદ્ધ નથી, પરંતુ તે નિષ્પક્ષ હોવું જોઈએ. દ્રમુકના અધ્યક્ષ અને તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કહ્યું છે કે તેઓ પરિસીમનના મુદ્દા પર રાજકીય લડાઈની સાથોસાથ કાનૂની જંગ પણ લડશે.

દ્રમુક ઊહાપોહ મચાવવા માગે છે કે જો પરિસીમનના નિર્ધારણમાં ફક્ત વસ્તીગણતરીને આધાર બનાવવામાં આવે તો લોકસભામાં દક્ષિણનાં રાજ્યોની બેઠકો ઘટી જશે. ભયના ભૂત ધૂણાવવાનો પ્રયાસ છે. કારણ કે હજી સુધી નક્કી નથી કે પરિસીમનનો એકમાત્ર આધાર વસ્તીગણતરીને બનાવવામાં આવશે. મહત્ત્વપૂર્ણ બાબત છે કે પરિસીમનની નોબત જ્યારે વસ્તીગણતરી થાય ત્યારે વાગશે. હાલ તો પણ નક્કી નથી કે વસ્તીગણતરી ક્યારે થશે? જોકે, વડા પ્રધાન અને ગૃહપ્રધાન સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પરિસીમનમાં કોઈ રાજ્ય સાથે અન્યાય નહીં થવા દેવાય, પરંતુ સ્ટાલિનને ચેન નથી પડતું. તેઓ એવો માહોલ બનાવવા લાગ્યા છે કે વસ્તીગણતરીના આધાર પર પરિસીમન કરાવવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

સવાલ છે કે સંવાદને બદલે સંઘર્ષ શા માટે દેખાય છે? આની પાછળ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે વધતા અંતરનો મુદ્દો પણ છે. પછી, વિપક્ષોના શાસન હેઠળ કેટલાંક રાજ્યોમાં ગવર્નરોની અતિ સક્રિયતાનો સવાલ હોય કે ત્રિભાષા ફૉર્મ્યુલા પર થયેલી નિવેદનબાજી કે પછી વેરા આવક વિતરણમાં થનારો કહેવાતા ભેદભાવ સંબંધી આક્ષેપોનો, આનાથી કેટલાક વર્ગમાં એવી ધારણા બની છે કે રાજ્યોનું મહત્ત્વ ધીરે ધીરે ઘટી

રહ્યું છે.

કોઈ રાજ્યને વસ્તી વધારા વૃદ્ધિ પર કાબૂ મેળવવાની સજા નહીં મળવી જોઈએ. એક માર્ગ છે કે કેન્દ્ર કોઈની પણ સાથે અન્યાય નહીં થવા દેવાના સંકલ્પથી આગળ વધીને કેટલાંક રાજ્યોમાં જોર પકડતી અન્યાયની આશંકાઓ સંબોધિત કરે અને તેને દૂર કરવાના પ્રયાસ કરે. કેન્દ્ર સરકારે સતર્ક રહેવું પડશે કે સ્ટાલિન અને તેમની સાથે ઊભેલા નેતાઓ પરિસીમનના બહાને વિભાજનકારી રાજકારણ શરૂ કરે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક