• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

સરકાર અને ખાનગી મિલકતો : યોગ્ય ચુકાદો

સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે સરકારને જાહેર હિત માટે વિતરણ કરવા ખાનગી માલિકીની દરેક સંપત્તિ સંપાદન કરવાનો અધિકાર નથી. નવ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું છે કે અમુક કિસ્સામાં રાજ્યો ખાનગી મિલકત પર દાવો કરી શકે છે. આ બેંચે અગાઉનો ચુકાદો રદ કર્યો છે - જેમાં જણાવાયું હતું કે સરકારો તમામ ખાનગી માલિકીનાં સંસાધનો બંધારણની ચોક્કસ કલમ હેઠળ વિતરણ માટે હસ્તગત કરી શકે છે.

આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે અગાઉની સમાજવાદી વિચારસરણીને અરીસો દાખવ્યો છે. આ ચુકાદો સમાજવાદી અને ડાબેરી વિચારસરણીવાળા માટે પણ આંચકો છે, તેઓ માહોલ બનાવવામાં લાગ્યા હતા કે દેશમાં ગરીબી અને અસમાનતા ત્યારે દૂર થઈ શકે જ્યારે સરકાર સંપત્તિનું પુનર્વિતરણ કરવામાં સક્ષમ હોય અને તેને અધિકાર મળે કે તે કોઈની પણ સંપત્તિ અધિગ્રહણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકાર એક હદ સુધી જ આવું કરી શકે છે. ચુકાદાથી સુપ્રીમ કોર્ટે એ પણ રેખાંકિત કરી દીધું છે કે કટોકટી દરમિયાન બંધારણની પ્રસ્તાવનામાં સેક્યુલરિઝમની સાથે સમાજવાદ શબ્દ જોડીને ભારતીય શાસન વ્યવસ્થામાં સમાજવાદી રીતરસમ અપનાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું તે નિરર્થક હતું!

સુપ્રીમ કોર્ટે અગાઉના જૂના ચુકાદાને રદ કરતાં એ સ્પષ્ટ કરવાનું જરૂરી ગણ્યું કે એ ચુકાદો વિશેષ આર્થિક અને સમાજવાદી વિચારસરણીથી પ્રેરિત હતો. કોર્ટે એ પ્રતિ પણ નિર્દેશ કર્યો છે કે છેલ્લા કેટલાક દશકામાં ગતિશીલ આર્થિક નીતિ અપનાવવાથી જ ભારત દુનિયામાં ઝડપથી વધતું અર્થતંત્ર બન્યું છે. ખાનગી સંપત્તિઓ સરકાર દ્વારા અધિગ્રહણ અંગેના ચુકાદા દરમિયાન જસ્ટિસ બીવી નાગરત્નાએ અલગથી આપેલા ચુકાદામાં આંશિક સહમતી વ્યક્ત કરી છે, પરંતુ જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ અલગ ચુકાદામાં બહુમતથી પૂર્ણ અસહમતી વ્યક્ત કરતાં કહ્યું છે કે ભૌતિક સંસાધનોને કેવી રીતે નિયંત્રિત અને વિતરિત કરવામાં આવે એ જોવું સંસદનો વિશેષાધિકાર છે. તેમણે કહ્યું કે ખાનગી માલિકીવાળા સંસાધન ક્યારે અને કેવી રીતે ભૌતિક સંસાધનોની પરિભાષામાં આવે છે એ કોર્ટ દ્વારા ઘોષિત નહીં થવું જોઈએ. હવે આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખાનગી સંપત્તિના પ્રકરણને લઈ હવે કોઈ સંશય નહીં રહે? સમયની સાથે બદલાવ જ પ્રગતિનો આધાર છે. સુપ્રીમ કોર્ટે આ આધારને શક્તિ પૂરી પાડી છે. સુપ્રીમ કોર્ટને એ વાતનો અહેસાસ હતો કે ચુકાદાની અસર ફક્ત યુપીમાં નહીં, પરંતુ આખા દેશમાં લઘુમતી સંસ્થાઓ ઉપર પણ પડશે. આથી એ સ્પષ્ટ કરવામાં કોઈ કસર નથી છોડી કે લઘુમતી સમુદાયોને પોતાની સંસ્થાઓ ચલાવવાનો અધિકાર છે તો રાજ્યને પણ એ સંસ્થાઓમાં આપવામાં આવી રહેલા શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. આ સંદર્ભમાં યુપી સરકારનું વલણ નોંધ લેવા જેવું છે.

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાઈ કોર્ટના ચુકાદાનો તેણે સ્વીકાર અવશ્ય કર્યો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે તે તેના વલણથી સહમત હતી. સુનાવણી દરમિયાન પણ સુપ્રીમ કોર્ટના વલણથી સહમતી દર્શાવી હતી. જ્યાં સેક્યુલર મૂલ્યોના મહત્ત્વો રેખાંકિત થયા છે, ત્યાં તેને સુનિશ્ચિત કરવાની રીત-માર્ગમાં સાવધાની વર્તવાની આવશ્યક્તા પણ સ્પષ્ટ થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક