• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

નમસ્તે ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખની ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર હતી અને પરિણામ જાણવાની ઉત્સુકતા હતી. કારણ કે અમેરિકાની આર્થિક, વ્યાપાર અને વિશેષ કરીને વિદેશનીતિની અસરથી કોઈપણ દેશ અલિપ્ત રહી શકે એમ નથી. ઇઝરાયલ - હમાસ યુદ્ધ અને યુક્રેન ઉપર રશિયાના આક્રમણના કારણે વિશ્વયુદ્ધ થવાના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે આગામી જાન્યુઆરીથી અમેરિકાના પ્રમુખપદની જવાબદારી સંભાળનારા ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર સૌની આશાભરી મીટ મંડાયેલી હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાંતિપ્રયાસને હવે સમર્થન મળવાની

આશા છે.

પ્રમુખ ટ્રમ્પના ઐતિહાસિક વિજયને વડા પ્રધાન મોદીએ વધાવ્યો છે. ‘માય ફ્રેન્ડ’ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતાં કહ્યું છે : ‘ભારત અને અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને સહયોગ વધુ બળવત્તર બનશે...’ અત્યારે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે બંને નેતાઓ શાંતિ અને સ્થિરતા માટે પ્રયાસ કરશે - સાથે મળીને લોકોનાં જીવન સુધારવા માટે અને વિશ્વશાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે સક્રિય બનશે.

પ્રમુખપદના ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકા સ્થિત હિન્દુઓને દિવાળીની શુભકામના આપી હતી અને હિન્દુ અમેરિકનોનાં હિત જાળવવાની, રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. ડાબેરી અંતિમવાદીઓના ‘ધર્મવિરોધી એજન્ડા સામે રક્ષણ આપવામાં આવશે. અમે તમારા (ધર્મ) સ્વાતંત્ર્ય માટે લડીશું. મારી સરકાર ભારત અને મારા પરમ મિત્ર મોદી સાથેની મૈત્રી - ભાગીદારી વધુ મજબૂત બનાવશે’ એમ કહીને ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ હિંસાચારનો ભોગ બની છે તેનો ઉલ્લેખ કરીને ટોળાશાહીને તથા બાંગ્લાદેશની અરાજકતાને સ્પષ્ટ, સખત શબ્દોમાં વખોડી હતી.

ટ્રમ્પના ચૂંટણી ભાષણ પછી હિન્દુ સમાજે સામૂહિક રીતે એમને વોટ આપ્યા હોય તે સ્વીકારાય છે.

વિશ્વશાંતિ, વ્યૂહાત્મક ભાગીદારી, સંરક્ષણ અને વ્યાપાર સંબંધ વિકસાવવાની પ્રક્રિયા જાન્યુઆરીમાં વિધિસર સત્તા પરિવર્તન થયા પછી શરૂ થશે પણ તાત્કાલિક અમેરિકાના વરાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ - એમના પાડોશી દેશ કૅનેડામાં પણ હિન્દુઓ ઉપર - મંદિરો ઉપર થઈ રહેલા હુમલાની ટીકા કરે - વખોડે એવી આપણી અપેક્ષા વધુપડતી નથી જ.

ચાર વર્ષ પહેલાં શાસનકાળ દરમિયાન અમેરિકામાં હાઉડી મોદી-મોદી અને ભારતમાં નમસ્તે ટ્રમ્પ - ગાજ્યું અને તેના પડઘા વિશ્વમાં પડયા હતા. હવે વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે જે વિશ્વશાંતિ અને વિકાસ માટે અનિવાર્ય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક