સ્મિથ મહાન બ્રેડમેનથી આગળ અને સચિનથી થોડો દૂર

સિડની, તા.પ: ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સ્ટિવન સ્મિથે દ. આફ્રિકા વિરુદ્ધના ત્રીજા ટેસ્ટના આજે બીજા દિવસે શાનદાર સદી(104 રન) ફટકારીને મહાન ડોન બ્રેડમેનથી આગળ થવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. જો કે, તે સચિન તેંડુલકરથી થોડો દૂર રહ્યો છે. સ્મિથની આ 30મી સદી છે જ્યારે બ્રેડમેનનાં નામે 29 સદી છે. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર તે ઓસ્ટ્રેલિયાનો ચોથા ક્રમનો બેટધર બની ગયો છે. તેણે આ મામલે માઇકલ ક્લાર્કને પાછળ રાખી દીધો છે. વર્તમાન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી કરનારો સ્મિથ એક્ટિવ ક્રિકેટર છે. તેના પછી ઇંગ્લેન્ડનો જો રૂટ 28 સદી સાથે છે. વિરાટ કોહલી (27), કેન વિલિયમ્સન અને ડેવિડ વોર્નરનાં નામે 2પ-2પ સદી છે. આ તમામ હાલ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે.
જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન રિકી પોન્ટિંગ (13378)નાં નામે છે. આ પછી એલન બોર્ડર (11174) અને સ્ટિવ વો (10927) છે. સ્મિથે 30 સદી સુધી પહોંચવા માટે 162 ઇનિંગ રમી છે. તેનાથી આગળ ફકત સચિન તેંડુલકર છે. તેણે 1પ9 ઇનિંગમાં 30 સદી કરી હતી. ત્રીજા ક્રમે મેથ્યૂ હેડન (167 ઇનિંગ), ચોથા ક્રમે રીકિ પોન્ટિંગ (170 ઇનિંગ) અને પાંચમા નંબરે સુનિલ ગવાસ્કર (174 ઇનિંગ) છે.

© 2023 Saurashtra Trust