રાજકોટ ક્રિકેટમય આજે ભારત-શ્રીલંકાની ટીમનું આગમન

કાલે સાંજે ખંઢેરી સ્ટેડિયમમાં ઝ-20 ટક્કર
'
રાજકોટ, તા. પ: ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમનું આવતીકાલ શુક્રવારે રાજકોટમાં આગમન થશે. બન્ને ટીમના આગમન સાથે જ સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટ ફીવર ફરી વળશે. શનિવારે સાંજે 7-00 વાગ્યે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના જામનગર રોડ સ્થિત અદ્યતન ખંઢેરી સ્ટેડિયમમાં ટી-20 મેચની ટક્કર થશે. જે શ્રેણીનો ત્રીજો અને આખરી મેચ હશે. આથી ટ્રોફી વિતરણ પણ રાજકોટના મેદાન પર થશે.
ભારત-શ્રીલંકાની ટીમ ત્રણ દિવસ સુધી રાજકોટની મહેમાનગતિ માણશે. શુક્રવારે આવી પહોંચ્યા બાદ શનિવારે મેચ રમશે અને રવિવારે બપોરે બાદ ગુવાહાટી જવા રવાના થશે જ્યાં વન ડે શ્રેણીનો પહેલો મેચ રમવાનો છે. ભારત-શ્રીલંકાની ટીમ પૂણેથી ખાસ વિમાનમાં શુક્રવારે બપોરે 2-1પ કલાકે રાજકોટ પહોંચશે. બન્ને ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટેલ સયાજી અને ફોર્ચ્યુન હોટેલ પહોંચશે. બન્ને ટીમ બાદમાં તેમના પ્રેક્ટિસ સેશન જાહેર કરી શકે છે. રાજકોટનું મેદાન ટીમ ઇન્ડિયા માટે નસીબવંતુ છે. અહીં ચાર ટી-20 મેચમાંથી ટીમ ઇન્ડિયાને ત્રણ મેચમાં જીત મળી છે.
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડયા, સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, શુભમન ગિલ, યજુર્વેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, ઋતુરાજ ગાયકવાડ સહિતના ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જો કે કપ્તાન રોહિત-વિરાટ સહિતના સિનિયર ખેલાડીઓની અનુપસ્થિતિને લીધે આ વખતે રાજકોટના ચાહકોમાં મેચને લઇને થોડી સુસ્તી જોવા મળી રહી છે.

© 2023 Saurashtra Trust