અંતિમ ઓવર સુધીના રોમાંચ બાદ શ્રીલંકાની જીત: કાલે રાજકોટમાં ફાઇનલ ટક્કર

અક્ષર અને સૂર્યકુમારનું પાવર હિટિંગ છતાં ભારતની 16 રને હાર: શ્રીલંકાના 2/206 સામે ભારતના 8/190
'
અક્ષરના 31 દડામાં 6 છકકાથી આતશી 65 રન: લંકા તરફથી મેન્ડિસ અને શનાકાની આક્રમક અર્ધસદી
'
પૂણે તા.પ: ઓલરાઉન્ડર અક્ષર પટેલના 6 છકકાથી આતશી 6પ રન, સૂર્યકુમાર યાદવના 36 દડામાં આક્રમક પ1 રને અને પૂંછડિયા શિવમ માવીના 1પ દડામાં 26 રનની ઝડપી ઇનિંગ છતાં આખરી ઓવર સુધીની રસાકસીના અંતે બીજા ટી-20માં શ્રીલંકા સામે ભારતનો 16 રને પરાજય થયો હતો. લંકાના 6 વિકેટે 206 રનના જવાબમાં ભારતના 8 વિકેટે 190 રન થયા હતા.ભારતની હારથી ત્રણ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર પહોંચી છે. હવે શનિવારે રાજકોટમાં બન્ને ટીમ વચ્ચે ફાઇનલ ટકકર થશે. 207 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે એક તબકકે 9.1 ઓવરમાં પ7 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. આથી શ્રીલંકાનો જીત નિશ્ચિત સમાન હતો, પણ છૂપા રૂસ્તમ અક્ષર પટેલ અને 360 ડિગ્રી બેટર સૂર્યકુમારે પાસા પલટાવ્યા હતા. બન્નેએ પાવર હિટિંગ કરીને છઠ્ઠી વિકેટમાં 40 દડામાં 91 રનની ભાગીદારી કરીને મેચને રોમાંચક બનાવ્યો હતો. જો કે સૂર્યકુમાર 36 દડામાં 3 ચોકકા-3 છકકાથી પ1 રને અને અક્ષર આખરી ઓવરમાં 31 દડામાં 3 ચોકકા-6 છકકાથી 6પ રને આઉટ થતાં ભારતના હાથમાંથી મેચ સરકી ગયો હતો. માવીએ 1પ દડામાં બે છકકાથી 26 રન કર્યાં હતા. 20 ઓવરમાં ભારતના 8 વિકેટે 190 રન થયા હતા. આથી શ્રીલંકાનો 16 રને વિજય થયો હતો.
207 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત કંગાળ રહી હતી અને પ7 રનમાં જ અરધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. ઇશાન કિશન 2, શુભમન ગિલ પ, ડેબ્યૂ મેચમાં રાહુલ ત્રિપાઠી પ, કપ્તાન હાર્દિક પંડયા 12 અને દીપક હુડ્ડા 9 રને આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી મધુશંકા, રજીંથા અને શનાકાએ બે બે વિકેટ લીધી હતી.
પાવર પ્લે ઓવર્સમાં કુસલ મેન્ડિસની સટાસટી અને ડેથ ઓવર્સમાં કેપ્ટન દાસુન શનાકાની તડાફડીથી શ્રીલંકાએ ભારત સામેના બીજા ટી-20 મેચમાં 6 વિકેટે 206 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. લંકન કપ્તાન દાસુન શનાકા માત્ર 22 દડામાં 2 ચોક્કા અને 6 છક્કાથી આતશી ઇનિંગ રમીને પ6 રને અણનમ રહ્યો હતો જ્યારે ઓપનિંગમાં આવેલ કુસલ મેન્ડિસે પાવર પ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવીને 31 દડામાં 3 ચોક્કા અને 4 છક્કાથી બાવન રનની આક્રમક ઇનિંગ રમી હતી.
ડેથ ઓવર્સમાં શનાકાએ ભારતીય બોલરોની ધોલાઈ કરી હતી. તેણે આખરી બે ઓવરમાં અર્શદીપ અને શિવમ માવીની ધોલાઇ કરીને શ્રીલંકાના સ્કોરમાં 38 રનનો ઉમેરો કર્યો હતો. પહેલા મેચમાં 4 વિકેટ લેનાર માવીએ ફેંકેલી 20મી ઓવરમાં શનાકાએ 3 છક્કાથી સાથે 20 રન કર્યા હતા. આથી શ્રીલંકાની ટીમ ભારત સામે 2010 બાદ પહેલીવાર 200 ઉપરના સ્કોરે પહોંચી હતી. આ ઉપરાંત શ્રીલંકાએ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 69 મેચ બાદ 200નો આંકડો પાર કર્યો છે.
ટોસ જીતીને ભારતે શ્રીલંકાને દાવ આપ્યો હતો. લંકાની શરૂઆત જોરદાર રહી હતી. મેન્ડિસ અને નિશંકા વચ્ચે પહેલી વિકેટમાં પ0 દડામાં 80 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. નિશંકા 33 રને આઉટ થયો હતો. રાજપક્ષે બે રને, ડિ’સિલ્વા 3 અને હસારંગા ઝીરોમાં આઉટ થયા હતા. ચરિથા અસાલંકાએ 19 દડામાં 4 છક્કાથી 37 રન કરી લંકાની રન રફતાર વધારી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 48 રનમાં 3 અને અક્ષર પટેલે 24 રનમાં 2 વિકેટ લીધી હતી. ચહલને 1 વિકેટ મળી હતી. અર્શદીપે બે ઓવરમાં 37 અને શિવમ માવીએ 4 ઓવરમાં પ3 રન આપ્યા હતા.

© 2023 Saurashtra Trust