સૌરાષ્ટ્રમાં દેખો ત્યાં ‘ઠાર’

- ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવન ફૂંકાતા ઠંડીનો ફૂંફાડો: નલિયા 2, ગિરનાર ઉપર 8 અને રાજકોટમાં 10.7 ડિગ્રી
-ભારે પવનથી આંબા ઉપર આવેલા મોર ખરી પડયા
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.5: ઉત્તર ભારતના હિમાલયના રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માત્ર એટલું જ નહીં, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સૌરષ્ટ્ર સહિત રાજ્યભરના જનજીવન પર અસર થઈ છે. ખાસ કરીને ઠાર અને બર્ફીલા પવનના કારણે લોકો ઠુંઠવાયા છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 2 ડિગ્રી, ગિરનાર ઉપર 8 ડિગ્રી અને રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગના શહેરના તાપમાનનો પારો ગગડયો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રે-કચ્છમાં શિયાળાનો માહોલ બરાબરનો જામતો જાય છે અને દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની વધુ અસર થાય છે. જેના કારણે મોડી રાત્રીના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. સવારના સમયે પણ ઠંડીથી બચવા માટે લોકો ગરમ વત્રોનો સહારો લે છે અને ઠંડીથી બચવા માટે પ્રયાસ કરે છે.
જૂનાગઢ: ગિરનાર પર્વત ઉપર તાપમાનનો પારો 8 ડિગ્રીએ પહોચતા ઠંડાગાર છવાયો છે. શહેરમાં તિવ્ર ઠંડીને કારણે બજારો પણ સુમસામ બની ગઇ છે.
તાલાલા: છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં વધરો થયો છે. ભારે પવનના કારણે આંબા ઉપર આવેલા મોરના ડોકા તૂટી ખરી પડયા હતા. બર્ફીલા પવનથી આખું પંથક ઠંડુગાર થઇ જતા લોકો ધ્રુજી ઉઠયા હતા.
ભાવનગર: ગોહિલવાડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી સુસવાટા મારતો ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. આજે સવારનું લધુતમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું હતું.
'

© 2023 Saurashtra Trust