જેતપુરમાં રખડતા ઢોર અડફેટે સ્કૂલ રિક્ષા પલટી : વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ

શહેરમાં દિવસે ને દિવસે વધતો જતો રખડતા ઢોરનો ત્રાસ : પાંજરાપોળ પાસે ઢોર સાચવવાની ક્ષમતા ન હોવાથી પાલિકા તંત્ર લાચાર
(ફૂલછાબ ન્યુઝ)
જેતપુર, તા.5 : જેતપુરમાં આજે રખડતા ઢોરની હડફેટે ભૂલકાઓથી ભરેલી સ્કૂલ રીક્ષા ચડી ગઈ હતી. ટાકુડીપરા વિસ્તારમાં બે આખલા ઝઘડતા રીક્ષાને અડફેટે લઈ પલ્ટી મરાવી દીધી હતી. સદનસીબે આ ઘટનામાં વિદ્યાર્થીઓને કોઈને ઈજા પહોચી ન હતી.
જેતપુરમાં દિવસે દિવસે ઢોરનો ત્રાસ વધતો જ જાય છે. હજુ તો ચાર દિવસ પૂર્વે જ શહેરની દેસાઈ વાડી વિસ્તારમાં શિવશક્તિ એપાર્ટમેન્ટ અંદર ઘુસી એક વૃધ્ધાને ગાયે ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યાં આજે મોઢવાડિ વિસ્તારમાં આવેલો એકટીવ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ ઓટો રિક્ષા સ્કૂલ નજીક પહોંચી ત્યારે ટાકુડીપરા વિસ્તારમાં બે ખુંટીયાઓ ઝઘડતા ઝઘડતા રિક્ષાને હડફેટે લઈ પલટી મરાવી દીધી. રીક્ષા પલટી મારતા જ સ્કૂલના નાના વિદ્યાર્થીઓ ચિચિયારી પાડી રડવા લાગ્યા હતાં ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો દોડીને તરત જ' રિક્ષામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢી પલટી ગયેલી રિક્ષાને ઉભી કરી હતી. ત્યાર બાદ સ્થાનિકોએ રડતા વિદ્યાર્થીઓને શાંત કરીને
શારીરિક તપાસ કરતાં નાના મોટા ઘસરકા સિવાય વધુ ઈજા ન હોવાથી તમામને રીક્ષામાં બેસાડી સ્કૂલે મોકલ્યા હતાં. આખલાઓની હડફેટે ચડનાર વિદ્યાર્થીઓ હેત, મોહિત, ધારા, ફ્રેના અને તન્વી સાથે વાત કરતાં તેઓ આખલાઓથી ડરી ગયા છે અને રઢિયાળ ઢોરને પાંજરે પુરવાની માગ કરી હતી. જ્યારે રિક્ષાચાલક અમીનભાઈએ નગરપાલિકા પાસે રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરી હતી.
આ અંગે પાલિકાના હેડ કલાર્ક દીપકભાઈ પટોડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયામાં નગરપાલિકા દ્વારા 67 જેટલા રખડતા ઢોરને પકડી પાંજરાપોળ મોકલાયા હતાં. પરતુ પાંજરાપોળ તરફથી હવે તેની પાસે વધુ ઢોર સમાવાની ક્ષમતા ન હોય એટલે ઢોર લેવાની ના પાડી છે જેથી પાલિકાએ સરકાર પાસે એનિમલ હોસ્ટેલ માટે જમીન આપવા રજૂઆત કરી છે.
'

© 2023 Saurashtra Trust