અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનો હવાઈ હુમલો

ટાર્ગેટ TTP : તાલિબાનના ગઢમાં બોમ્બ વરસાવ્યા, 4નાં મૃત્યુ : અફઘાન સરકાર ઉકળી ઉઠી, આતંકને પોષનારા આમને-સામને: પાકિસ્તાનમાં સતત આતંકી હુમલા બાદ એક દિવસમાં બે એર સ્ટ્રાઇક
'
ઈસ્લામાબાદ/કાબુલ, તા.પ: લાંબા સમયથી વ્યાપ્ત તણાવ બાદ અંતે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કરી તાલિબાનના એક ઠેકાણાને ઉડાવી દીધું હતું. હુમલામાં 4નાં મૃત્યુ થયાં છે જે સામાન્ય નાગરિકો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાને કરેલા હુમલાને પગલે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ઉકળી ઉઠી છે. બન્ને દેશ આમને-સામને આવી ગયા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
રશિયા અને યુક્રેનના માઠા વૈશ્વિક પરિણામો ભોગવી રહેલી દુનિયા સામે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની નવી ચિંતા આવી ચઢી છે. પાકિસ્તાની એરફોર્સે ગુરુવારે અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)નાં ઠેકાણાં ઉપર એરસ્ટ્રાઇક કરી હતી. અફઘાનિસ્તાની મીડિયાએ આ અંગે બ્રેકિંગ કર્યા હતા અને જણાવ્યું કે ટીટીપીના ગઢ સમાન નાંગરહારના સલાલા ગુશ્તા શહેરમાં હવાઈ હુમલો કરાયો હતો. જેમાં એક ડેરીમાં કામ કરતાં 4 શખસનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં એક બાળક પણ છે. પાકિસ્તાન કે અફઘાનિસ્તાન સરકારે હજૂ સત્તાવાર કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
અફઘાની મીડિયાએ દાવો કર્યો કે પાકિસ્તાની એરફોર્સે ટીટીપીને ટાર્ગેટ કરી એક દિવસમાં બે વખત એર સ્ટ્રાઇક કરી બોમ્બ ઝીંક્યા હતા. પહેલો હુમલો સવારે 11 વાગ્યે કરાયો હતો. ટીટીપી દ્વારા પાકિસ્તાની આર્મી અને પોલીસને નિશાન બનાવી સતત હુમલા કરાઈ રહયા છે જેને જોતાં પાકિસ્તાન ગમે ત્યારે પલટવાર કરે તેવી આશંકા હતી. ગત સોમવારે વડાપ્રધાન શાહબાઝ શરીફે કેબિનેટની બેઠક બોલાવી હતી. ત્યાર બાદ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે લલકાર કર્યો કે પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે કોઈપણ હદે જઈ શકે છે. જો અફઘાન સરકાર ટીટીપીને નહીં રોકે તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારીશું.
'

© 2023 Saurashtra Trust