પશ્ચિમથી પૂર્વ : કોંગ્રેસ યોજશે વધુ એક યાત્રા

-2023માં રાહુલ ગાંધીની આગેવાનીમાં વધુ એક યાત્રાની તૈયારી: જયરામ રમેશ
નવી દિલ્હી, તા. પ : રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો પદ યાત્રા દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધી રહી છે ત્યારે કોંગ્રેસે આ જ વર્ષે પશ્ચિમથી પૂર્વ સુધીની યાત્રાની તૈયારી શરૂ કરી છે.
ભારત જોડો યાત્રાના પ્રભારી-પૂર્વ કેન્દ્રિય મંત્રી જયરામ રમેશે ગુરુવારે યાત્રાના 111 દિવસ પૂર્ણ થવાના અવસરે યુપીમાં પત્રકાર પરિષદ યોજી રાહુલ ગાંધીને ટાંકી એલાન કર્યું કે ર0ર3માં પશ્ચિમથી પૂર્વ સુધી આવી જ યાત્રા યોજવામાં આવશેજેના પર વિચારણાં ચાલી રહી છે. એ યાત્રામાં એવા રાજયો આવરી લેવાશે જેમાં હાલ જઈ શકાયુ નથી. આ સિવાય ર6મી જાન્યુઆરીથી ર6મી માર્ચ સુધી હાથ સે હાથ જોડો અભિયાન ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા કોઈ ઈવેન્ટ નથી, ચળવળ છે જે ચાલતી રહેશે. ભારત જોડો યાત્રા પુર્ણ થયા બાદ ર00 યાત્રીઓને ભારત યાત્રીનો દરજ્જો આપવામાં આવશે.
દરમિયાન યુપીમાં ભારત જોડો યાત્રાનો ગુરુવારે ત્રીજો-છેલ્લો દિવસ હતો. યુપીમાં હજારો લોકો આ યાત્રામાં રાહુલ ગાંધીની એક ઝલક જોવા ઉમટયા હતા. કૈરાનામાં બજારો બંધ હતી. જયરામ રમેશે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની તબિયત સારી ન હોવાથી રાહુલ ગાંધીએ યુપીમાં નાઈટ સ્ટે કર્યો ન હતો અને દિલ્હી પરત ફર્યા હતા.

© 2023 Saurashtra Trust