એર ઈન્ડિયાની વધુ એક ફલાઈટમાં દુર્વ્યવહાર : નોટિસ

પેરિસ-દિલ્હી ફલાઈટમાં નશાખોરે મહિલાના ધાબળાં ઉપર પેશાબ કર્યો
નવી દિલ્હી, તા.પ : એર ઈન્ડિયાની વધુ એક આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં નશામાં ધૂત મુસાફરે એક મહિલાના ધાબડાં ઉપર પેશાબ કર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ફલાઈટમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર મામલે ડીજીસીએ હરકતમાં આવ્યું છે અને એર ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.
ન્યુયોર્ક-દિલ્હીની એર ઈન્ડિયાની ર6મી નવેમ્બરની ફલાઈટમાં નશામાં ટલ્લી શખસે બિઝનેસ કલાસમાં એક મહિલા પર પેશાબ કર્યાના બનાવ બાદ 6 ડિસેમ્બરની પેરિસ-દિલ્હીની ફલાઈટમાં આવો જ બનાવ બન્યાનો ખુલાસો અધિકારી સૂત્રોએ કર્યો છે. જેમાં દિલ્હીમાં ફલાઈટ લેન્ડ થયા બાદ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જો કે લેખિત માફી પર તેની છોડી મૂકવામાં આવ્યો હતો.
પેરિસ-દિલ્હી ફલાઈટના નવા બનાવમાં વિમાનમાં 14ર મુસાફરો સવાર હતા. પાયલોટે બનાવની જાણ એટીસીને કરી હતી જેને આધારે સવારે 9:40 કલાકે લેન્ડિંગ બાદ કાર્યવાહી કરાઈ હતી. આરોપી શખસે મહિલા મુસાફરના ધાબળાં પર પેશાબ કર્યો હતો અને કેબિન ક્રૂની સૂચનાને ગણકારી ન હતી. બાદમાં આરોપી અને ફરિયાદી વચ્ચે સમાધાન થયું હતું.
----------
હવાઈ યાત્રા કરનારા લોકોમાં થઈ વૃદ્ધિ
ડિસેમ્બર 2022 સુધીમાં અંદાજિત 129 લાખ લોકોએ ભરી ઉડાન
નવી દિલ્હી, તા. 5 : દેશમાં ઘરેલુ હવાઈ યાત્રીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીએ ગુરુવારે કહ્યું છે કે, ડિસેમ્બર 2022માં વાર્ષિક આધારે ઘરેલુ હવાઈ યાત્રીનો ટ્રાફિક 15 ટકા વધીને 129 લાખ થયો હતો. રેટિંગ એજન્સીના કહેવા પ્રમાણે આ આંકડો ડિસેમ્બર 2019માં મહામારી આવ્યા પહેલાના મુકાબલે એક ટકા ઓછો છે.
રેટિંગ એજન્સીએ કહ્યું છે કે, દર વર્ષે લગભગ 63 ટકાની વૃદ્ધિ સાથે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બર મહિના વચ્ચે ઘરેલુ યાત્રી ટ્રાફિક વધીને 986 લાખ થવાનું અનુમાન છે. જે એપ્રિલ-ડિસેમ્બર 2019ની તુલનાએ અંદાજિત 9 ટકા ઓછું છે. ઈક્રાના કહેવા પ્રમાણે ઘરુ ઉડ્ડયન ઉદ્યોગ ડિસેમ્બર 2022માં અંદાજિત 91 ટકા યાત્રી ભાર સાથે સંચાલિત થયો હતો. જો કે ડિસેમ્બર 2021માં 80 ટકા અને ડિસેમ્બર 2019માં 88 ટકા હતો. 2023 દરમિયાન ઘરેલુ યાત્રીઓની સંખ્યામાં ઝડપથી સુધારો થવાની શક્યતા છે. જે સંચાલનની સામાન્ય સ્થિતિને જાળવી રાખવામાં સહાયક બની રહેશે.

© 2023 Saurashtra Trust