ચંદન ચોર ટોળકીની ગિરનાર-સાસણ મેંદરડા રેન્જમાં વૃક્ષ કાપ્યાની કબૂલાત

ચંદનના જૂના વૃક્ષોનો સર્વે કરી રાત્રીના કટિંગ કરતા’તા: આ રેકેટમાં સંડોવાયેલાની તપાસ વનવિભાગે હાથ ધરી
જૂનાગઢ, તા.5: ગિર જંગલ વિસ્તારમાં ચંદનની ચોરી કરનાર મધ્યપ્રદેશની ટોળકીના 21 શખસોને ઝડપી લીધા બાદ પૂછપરછ કરાતા ગિરનાર, સાસણ અને મેંદરડા રેન્જમાં ચંદનના જૂના વૃક્ષોનું કટિંગ કર્યાની કબૂલાત કરી હતી. આ ટોળકીએ કેટલા વૃક્ષોનું કટિંગ કર્યું? કેટલા લાકડા કોના મારફત ક્યાં મોકલ્યા તેમાં વધુ શખસોની સંડોવણી છે કે કેમ? તે દિશામાં વન વિભાગે તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશની ચંદન ચોર ટોળકી દર વર્ષ ગિરનાર અને સાસણ જંગલમાં ચંદનની ચોરી કરવા આવે છે. ગિરનાર જંગલમાં આ ટોળકીએ આંટા ફેરા કરતા હતા પણ વન વિભાગ સતર્ક હોવાથી ચંદનના વૃક્ષોનું કટિંગ કરવું મુશ્કેલ જણાતા સાસણના ગિર જંગલ તરફ પ્રયાણ કર્યું હતું. આ ટોળકીમાં મહિલાઓ સહિત 21 શખસ ગેરકાયદે જંગલમાં પ્રવેશ કરી, ચંદનના જૂના વૃક્ષોનો સર્વે કર્યા બાદ, રાત્રીના કટિંગ કરવા નીકળતા હતા. આ ટોળકી હથિયારમાં ટૂંકા હાથાનો કુહાડો, ધારદાર છરી, ફરસી (કુહાડી) હાથા વગર થેલામાં રાખતા અને જ્યાં જોઈતું ચંદનનું વૃક્ષ નજરે પડે તેને રાત્રીના કટિંગ કરી ટૂકડા થેલામાં ભરી જંગલ બહાર નીકળી જતા હતા અને સાથી સભ્યો આ લાકડાને સગેવગે કરી ત્યારબાદ રવાના કરતા હતા.
આ અંગે સીસીએફ અનુરાધા શાહુએ જણાવ્યું કે, ઝડપાયેલા ચંદન ચોર ટોળકીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાનાર છે. અદાલત રિમાન્ડ ઉપર સોપો છે કે કોર્ટ કસ્ટડી હવાલે તે જોવાનું રહ્યું પણ છેલ્લા 24 કલાકમાં વન  વિભાગના તપાસનીશ અધિકારીઓ મોઢું ખોલાવી શક્યા નથી.
 

© 2023 Saurashtra Trust