કુવાડવામાં તબીબ અને તેના ભાઈની હત્યાનો પ્રયાસ : ચોટીલાના ચાર શખસની શોધખોળ મોટાબાપુને કારમાં ઉપાડી જવા મારકૂટ કરતા બચાવવા જતા હુમલો કર્યો

રાજકોટ, તા. પ : કુવાડવા ગામે રહેતા તબીબ અને તેના ભાઈ પર ચોટીલાના ચાર શખસે પૈસાના ડખ્ખામાં છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા બન્ને ભાઈઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ચારેય હુમલાખોરો સામે હત્યાના પ્રયાસ સહિતનો કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, કુવાડવામાં લુહાર ચાલીમાં ડો.રજનીભાઈવાળી શેરીમાં રહેતા અને તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા હિતેશ ઉર્ફે કાનો હિતેષ ઉર્ફે કાળુભાઈ સોલંકી અને તેના ભાઈ જયરાજ હિતેષ ઉર્ફે કાળુ સોલંકી પર ચોટીલાના જનક કાળુ વીકમા, રણજીત સામંત ખાચર અને બે અજાણ્યા શખસે છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા બન્ને ભાઈઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગેની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ ચૌધરી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં તબીબ હિતેષ ઉર્ફે કાનો અને ગામમાં ઈલે.ની દુકાન ધરાવતો ભાઈ યશરાજ તથા મોટાબાપુ ધર્મેશભાઈ રજનીકાંત સોલંકી ઉર્ફે હીતુભાઈ સહિતના ભાઈ યશરાજની દુકાને બેઠા હતા ત્યારે મોટાબાપુ ધર્મેશભાઈ સોલંકીનો ચોટીલા રહેતો મિત્ર જનક વીકમા અને રણજીત ખાચર તથા બે અજાણ્યા શખસ કારમા આવ્યા હતા અને ધર્મેશભાઈને ચાલ ગાડીમાં બેસી જા તેમ કહી ઝઘડો કર્યે હતો અને બન્ને ભાઈઓ મોટાબાપુ ધર્મેશભાઈને બચાવવા વચ્ચે પડતા ચારેય શખસે છરીથી હુમલો કર્યે હતો અને નાસી છૂટયા હતા.
પોલીસની વધુ તપાસમાં ધર્મેશભાઈ સોલંકીને ચોટીલાના જનક વીકમા સાથે મિત્રતા હોય અને અવારનવાર પૈસાની લેતીદેતીનો વ્યવહાર ચાલતો હોય થોડા સમય પહેલા આબુ ગયેલ ત્યારે પૈસાની જરૂરિયાત પડતા ફોન કરી રૂ.પ0 હજાર પેટીએમથી મોકલવાનું કહેતા મોકલ્યા હતા અને હાલમાં જનક વીકમાને પૈસાની જરૂરિયાત હોય લોન બદલવી હોય ધર્મેશભાઈ પાસે દસ લાખ ઉછીના માગતા ના પાડતા ગમ્યું નહોતું અને સતત પૈસાની ફોન કરી માગણી કરતો હતો અને ધર્મેશભાઈ ભત્રીજા યશરાજની દુકાને બેઠા હતા ત્યારે જનક વીકમા સહિતના શખસો આવ્યા હતા અને ઝઘડો કર્યે હતો અને છોડાવવા માટેથી બે ભત્રીજા વચ્ચે આવતા ખૂની હુમલો કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસે તબીબ હિતેશ ઉર્ફે કાનો સોલંકીની ફરિયાદ પરથી ચારેય હુમલાખોરો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન
કર્યા છે.

© 2023 Saurashtra Trust