(ફૂલછાબ ન્યૂઝ)
અમરેલી, તા. 5: રાજુલા તાલુકાના નવી માંડરડી ગામ નજીક ધાતરવડી નદી કાંઠેથી 16 વર્ષની તરુણી લાશ મળી આવી હતી. તરુણીના મોઢા પર બ્લેડ અને પથ્થરના ઘા માર્યાના નિશાન મળી આવ્યા હતા. આ તરુણીની હત્યા કરાયાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.
નવી માંડરડી ગામે ધાતરવડી નદીના કાંઠે 16 વર્ષની તરુણીની લાશ પડી હોવાની જાણ થતાં રાજુલા પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા 16 વર્ષની તરુણી રસીલા વાલજીભાઈ બાબરિયાની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. તેના મોઢાના ભાગે બ્લેડ અને પથરોના ઘાના નિશાન મળી આવ્યા હતાં. બનાવ આસપાસ બ્લડના નિશાન મળી આવ્યા પોલીસને હત્યા થયા હોવાની આશંકા સેવાઈ રહેલ છે બીજી તરફ ઘટનાની ગંભીરતા દાખવી એસપી હિમકર સિંહની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ પણ દોડી આવ્યા છે અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે હત્યાની આશંકાને લઈ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછ પરછ શરૂ કરવામાં આવી છે. તરુણીની હત્યા નદીના કાંઠે જ કરવામાં આવી હતી કે અન્ય સ્થળે કરવામાં આવી હતી? હત્યા કોણે અને શા કારણે કરી? પ્રેમ સબંધમાં હત્યા થઇ છે કે કેમ? તેના સહિતની વિગતો મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે.