સુરતમાં લગ્નના 27 મા દી’એ જ મહિલા તબીબે તાપીમાં મૃત્યુની છલાંગ મારી ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળી’તી

(ફૂલછાબ ન્યૂઝ)
સુરત, તા. 5:  શહેરના પાલનપુર વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ લગ્નના 27માં દિવસે જ તાપી નદીમાં મૃત્યુની છલાંગ લગાવીને મૃત્યુને વહાલુ કર્યુ હતું. આ મહિલા તબીબે શા કારણે આ પગલું ભર્યું તે અંગે અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.
શહેરના પાલનપુર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ  યુવતી ડો.હેમાંગી પટેલના 27 દિવસ પહેલાં જ ઓનલાઇનના બિઝનેસ સાથે સંકળાયેલા ડેરિકભાઇ સાથે લગ્ન થયા હતા. આ દરમિયાન અચાનક શું થયું કે, હેંમાગી નોકરી પર જવાનું કહી નીકળી અને પછી ઘરે પરત આવી નહતી. પરિવારે શોધખોળ ચલાવી હતી. આ દરમિયાન ગત સવારે તાપીનદીના હનુમાન ટેકળી પાસેથી હેમાંગીની લાશ મળી આવી હતી. આ ઘટનાને જાણ સિગણપોર પોલીસને કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે,  યુવતીએ તાપીનદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો  છે. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી જ્યાં જુદા જુદા તબીબ નિષ્ણાતોની પેનલમાં પીએમ કરાવ્યું હતું. હેમાંગીબેન ક્યા કારણોસર આપઘાત કર્યું તે કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ તેની પાસેથી કોઇ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. હેમાંગીનો મોબાઇલ કબજે લઇ તપાસ ચલાવી છે. આ દરમિયાન હેમાંગીને પરિવાર દ્વારા અનેક વખત ફોન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુમ થતા હેમાંગીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

© 2023 Saurashtra Trust