કપાસના ભાવ ઉંચકાઈ જતા જીનિંગ મિલોમાં અર્ધું જ ઉત્પાદન ગુજરાતમાં પચ્ચાસ ટકા જિનોમાં જ ઉત્પાદન: યાર્ન મિલો નુકસાનીમાંથી બહાર આવી

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 5 : કપાસનો ભાવ ભલે ગયા વર્ષ કરતા ખાસ્સો નીચો બોલાય પણ હજુય જિનિંગ મિલો ડિસ્પેરિટીનો સામનો કરી રહી હોવાથી પચ્ચાસ ટકા જેટલી જિનો જ રૂ બનાવી શકે છે. મોટાભાગના જિનો બંધ છે અને જે ચાલુ છે તે ઓછી ક્ષમતાથી ચાલી રહ્યા છે. ગુજરાતની યાર્ન મિલો હવે ડિસ્પેરિટીમાંથી બહાર આવી ગઈ છે પણ નહીં નફો, નહીં નુકસાન જેવી સ્થિતિમાં છે.
સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિયેશનના પ્રમુખ અરાવિંદ પટેલ કહે છેકે, કપાસની આવકનું દબાણ સર્જાતું નથી પરિણામે ભાવ ઉંચા રહે છે અને જિનિંગ મિલોને ડિસ્પેરિટીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં જિનો ચલાવવા આર્થિક રીતે પોસાય એમ નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 550 કરતા વધારે જિનો છે. એમાંથી આશરે 50-60 ટકા જિનોએ કામકાજ ચાલુ કર્યા છે. જે ચાલુ છે એમાં 24 કલાકને બદલે 12 કલાક અને 12 કલાક ચાલતા હતા તે છ કલાક કામકાજ કરી રહ્યા છે. સપ્તાહમાં એક કે બે દિવસ બંધ પણ રાખવું પડે છે.
આ સ્થિતિ અંગે તેમણે કહ્યું કે, ખેડૂતોને કપાસનો ભાવ મણે રૂ. 2000 મળે તેવી અપેક્ષા છે એટલે પુરવઠો બજારમાં લવાતો નથી. પુરવઠાની ખેંચને લીધે કપાસ ઉંચો બોલાય છે. જેતે ભાવથી કપાસ ખરીદીને ગાંસડી બાંધવાનું પોસાણ નથી. ખેડૂતોની દલીલ એવી છે કે, હવે ઉત્પાદન ખર્ચ વધી ગયું છે એટલે બે હજારના મથાળા નીચે કપાસ વેંચવો પોસાય એમ નથી. હાલમાં જે ભાવવધારો થયો છે એ માત્ર રાહત આપનારો છે. ખેડૂતોને વળતર છૂટતા નથી.
કપાસનો ભાવ દસેક દિવસ પૂર્વે ઘટીને રૂ. 1600 સારા માલમાં થઈ ગયો હતો. જોકે ત્યાંથી એકાએક વધીને ફરી રૂ. 1800ના મથાળે પહોંચી ગયો છે. કપાસનો ભાવ ઘટવાને લીધે એક તબક્કે જિનોને પડતર લાગે તેમ હતું પણ ભાવ બે દિવસ ટક્યો નહીં અને તેજી થઈ જતા ઉદ્યોગની આશા પર પાણી ફરી વળ્યું હતું.
સંકર ગાંસડીનો ભાવ ખાંડીએ રૂ.63,000ની સપાટીએ પહોંચી ગયો છે. ગયા મહિનામાં ઘટીને રૂ. 55,500ના ભાવ થઈ ગયા હતા. ભાવ વધવાને લીધે કોઈ ફાયદો મળ્યો નથી, કારણ કે કપાસ પણ ઉંચકાયો છે એમ એક જિનરે કહ્યું હતું. કપાસના ભાવ અને રૂની ગાંસડીના ભાવને તાલમેલ નથી એટલે અત્યારે રૂ બનાવાય તો રૂ.2000-2500ની ડિસ્પેરિટી ખમવાની આવે છે. જિનરો કહે છે, વૈશ્વિક બજારમાં રૂનો ભાવ સરેરાશ રૂ. 52-53 હજાર આસપાસ ચાલે છે એના કરતા ભારતનો ભાવ ખાસ્સો ઉંચો હોવાથી નિકાસમાં પણ સોદા થતા નથી.
યાર્ન મિલોની હાલત પણ અગઉ જિનો જેવી હતી જોકે હવે એમાં સુધારો થયો છે. ગુજરાતમાં 100 કરતા વધારે યાર્ન મિલો છે. અગાઉ 70 ટકા જેટલી જ ચાલુ હતી પણ હવે બધી યાર્ન મિલો શરૂ થઈ ગઈ છે અને ડિસ્પેરિટીમાંથી પણ બહાર આવી ગઈ છે. હવે ઉત્પાદન ક્ષમતામાંથી આશરે 80 ટકા વપરાવા પણ લાગી છે. યાર્ન મિલોને રૂ. 63 હજારમાં ખરીદેલું રૂ યાર્ન બનાવવામાં વાપરવું પોસાતું નથી. યાર્ન બને તો તે બજાર ભાવમાં જ પડે છે છતાં અગાઉ નુકસાની જતી તે અટકી ગઈ છે એમ સુરેન્દ્રનગરના એક મોટાં યાર્ન ઉત્પાદકે કહ્યું હતું.
30 કાઉન્ટ કોમ્બડ હોઝિયરી યાર્નનો ભાવ સૌરાષ્ટ્રમાં એક કિલોએ રૂ. 260 ચાલે છે. યાર્નમાં નિકાસનાં કામકાજો ધીમી ગતિએ થઈ રહ્યા છે. યાર્ન ઉત્પાદકો કહે છે, કપાસની આવક 10-15 દિવસ પછી ચોક્કસપણે વધશે અને ભાવ પણ નીચાં આવશે ત્યારે રૂ ખરીદવામાં પોસાણ પણ થશે.
 

© 2023 Saurashtra Trust