અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં ફાયર સેફટી ન હોવાથી બિલ્ડીંગ સીલ

શહેરમાં અન્ય કોઇપણ બિલ્ડીંગમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળશે તો કડક કાર્યવાહી કરાશે: ફાયર ઓફિસર
(ફૂલછાબ ન્યૂઝ)
અમરેલી તા.5: અમરેલી શહેરમાં ફાયર તંત્રએ આળસ ખંખેરીને વર્ષોથી ફાયર સેફટી વિહોણી શાંતાબા મેડિકલ કોલેજ સામે કડક કાર્યવાહી કરી છે. કોલેજ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે. શહેરમાં હજુ પણ અનેક કોમર્શિયલ બિલ્ડીંગો ફાયર વિહોણા હોવાનું ચર્ચાઈ રહયું છે ત્યારે ફાયર તંત્ર દ્વારા એકમાત્ર મેડિકલ કોલેજને જ નિશાન બનાવી સીલ કરી દેવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બનેલ છે. 
શાંતાબા મેડિકલ કોલેજ કેમ્પસમાં કડક કાર્યવાહી કરી સીલ મારી દેવાતા શહેરમાં કોલેજ ચર્ચાનું કેન્દ્ર બની છે. આટલા મોટા આધુનિક બિલ્ડીંગ હોવા છતાં સેફટીના સાધનો ન હોવાને કારણે કોલેજના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અમરેલી ફાયર સેફટી વિભાગના ઓફિસર ટીમ સાથે મેડિકલ કોલેજે ધસી ગયા હતા અને કોલેજને સીલ કરી દેવામાં આવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી બિલ્ડીંગની તપાસણી શરૂ કરવામાં આવી છે.
ફાયર ઓફિસર એચ.સી.ગઢવીએ જણાવ્યું કે આજે શાંતાબા મેડિકલ કોલેજમાં સિલની કાર્યવાહી કરી હજુ અન્ય બિલ્ડીંગમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળશે તો કાર્યવાહી હાથ ધરાશે.

© 2023 Saurashtra Trust