નવા જીરુંના ગોંડલમાં અભૂતપૂર્વ $ 36,001ના ભાવથી સોદા !

3 ગુણી નવું જીરું આવતા મુહૂર્ત માટે ટોપ ભાવ બોલાયો: ઉંઝામાં જૂના માલનો નવો $ 7100નો રેકોર્ડ
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, ગોંડલ, તા. 4 : જીરુંમાં એક તરફ તેજીનો તોખાર છે ત્યારે ગોંડલ યાર્ડમાં નવી આવકના શ્રીગણેશ થતા ઇતિહાસના સૌથી ઉંચા ભાવ ચૂકવીને ખરીદી કરવામાં આવી હતી. યાર્ડમાં એક મણ નવાં જીરુંનો ભાવ માનવામાં ન આવે એવો રૂ. 36001 બોલવામાં આવ્યો હતો. અલબત્ત, આવો ભાવ માત્ર મુહૂર્ત માટેનો હતો છતાં ભાવ સાંભળીને વેપારીઓના મુખમાંથી આશ્ચર્યના ઉદ્ગારો સરી પડયા હતા. જોકે જીરુંમાં ચાલુ વર્ષે તેજીનો માહોલ છે એને અનુલક્ષીને આવા ભાવ ક્વોટ કરવામાં આવ્યા હોઈ શકે છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરુંની 3 ગુણીની આવક થઇ હતી અને મુહૂર્ત માટે મણે રૂ. 36001ના ભાવથી ખરીદી કરવામાં આવી હતી. નવો માલ મોટા દડવાના ખેડૂત ધર્મેન્દ્ર વસાણી અને સાણથલીના ખેડૂત રમેશભાઈ કચ્છી લાવ્યા હતા. જીરુંનો જથ્થો પરબધણી પેઢીના મેહુલ ખાખરિયાએ ખરીદ્યો હતો. આ સમયે હારતોરા કરીને મોં મીઠાં કરાવવામાં આવ્યા હતા.  ગોંડલ યાર્ડ હવે જીરું માટે પણ પ્રખ્યાત થઇ ગયું છે. સૌરાષ્ટ્રભરના ખેડૂતો માલ વેચાણ માટે આવી રહ્યા છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર સહિતના ખેડૂતો યાર્ડમાં આવે છે.
દરમિયાન જીરુંના ભાવમાં દિવાળી પછી તેજીનો પવન ફૂંકાયેલો છે અને હવે ભાવ રોજ નવા સીમાડા વટાવી રહ્યા છે. બોટાદ યાર્ડમાં ચાલુ સપ્તાહના આરંભમાં મણે રૂ. 7040ના ભાવથી કામકાજો થયા પછી આજે ઉંઝા માર્કેટ યાર્ડમાં નવો ઉંચો રૂ. 5700થી 7100નો રેકોર્ડબ્રેક ઉંચો ભાવ બોલાયો હતો.
જીરુંનું ઉત્પાદન ચાલુ વર્ષમાં નબળું હતું. નિકાસ બજારમાં માગ સારી છે અને હવે જે વાવેતર થયાં છે એમાં પણ 20-25 ટકા જેટલો ઘટાડો થવાને લીધે તેજીએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. અભ્યાસુઓ કહે છે કે, ખેડૂતોને નવી સીઝનમાં પણ સારા ભાવ મળવાની શક્યતા છે.
 

© 2023 Saurashtra Trust