ગઢડા(સ્વામીના) એક યુવક સાથે 61 લાખની છેતરાપિંડી ઓનલાઈન ટાસ્ક પૂરા કરી મોટી રકમ આપવાની લાલચ આપી કરાયેલી ઠગાઇ

(ફૂલછાબ ન્યૂઝ)
ગઢડા, તા. 5: ગઢડા(સ્વામીના) મુકામે રહેતા એક યુવકને મેસેજ કરી વેબસાઈટમાં એકાઉન્ટ ખોલી જુદા જુદા 35 ટાસ્ક પૂરા કરી મોટી રકમ પરત આપવાની લાલચ આપી રૂ. 61 લાખ જેટલી માતબર રકમની છેતરાપિંડી કર્યાની  અજાણ્યા શખસો સામે ફરિયાદ થઇ છે. ઓનલાઇન છેતરપિંડીનો લાલબત્તી સમાન કિસ્સો બનવા પામેલ છે.
આ મુદ્દે આરોપીઓએ આ કામના ફરિયાદીને ટેલિગ્રામ સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં મેસેજ કરી લોભામણી જાહેરાત આપી વિશ્વાસમાં લઇ સીતાસીંઘ નામના આરોપીએ ફરિયાદીને રેકોર્ડ બ્રેકર્સ નામના વ્હોટસએપ ગૃપમાં એડ કરી વિશ્વાસમાં લઇ અલગ અલગ ટાસ્ક પૂરા કરી કમિશન મળવાના બહાને તા. 14.12.2022થી તા.29.12. 2022 દરમિયાન ફરિયાદી પાસેથી અલગ અલગ દિવસે મળીને કુલ રૂપિયા 61,26,304 જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન કરાવી છેતરાપિંડી કરી હોવાની ફરિયાદ સિનેમા રોડ પર રહેતા મૂળ લાઠીના ધામેલ ગામના   લેબોરેટરી સંચાલક શૈલેષભાઇ અશોકભાઈ બલરે નોંધાવી છે. ફરિયાદમાં વિગતે જણાવ્યા મુજબ જાણવા મળતી વિગત અનુસાર ગત તા.9.12.2022 ના બપોરના સવા બાર વાગ્યે ફરિયાદીના મોબાઈલમાં ટેલિગ્રામ એપ્લિકેશનમાં મેસેજ આવેલ. જેમાં પાર્ટ ટાઈમ નોકરીની જાહેરાત આવેલ હતી. તે મેસેજ મોકલનારનું નામ પ્રિયા હતું. જેથી મેસેજનો રીપ્લાય આપી પાર્ટ ટાઈમ નોકરી કરવાની વાત કરેલ. જે દરમિયાન સીતાસીંઘ નામની વ્યક્તિએ એક રેકોર્ડ બ્રેકર્સ નામના વ્હોટસએપ ગૃપમાં એડ કરેલ અને તે ગૃપમાં કુલ -19 મેમ્બર હતા અને એક કસ્ટમર કે2 નંબ2 મળી કુલ 20 મોબાઇલ નંબર ગ્રુપમાં હતા. જેમાં સીતાસીંઘ નામની વ્યક્તિએ પોતાના મોબાઈલ નંબર ઉપરથી પર્સનલ મેસેજ કરી સમગ્ર પ્રક્રિયા સમજાવેલ. ત્યારબાદ તેના કહેવાથી ઓમેગા વોયાગનામની વેબસાઇટ લિંક મોકલતા તેમાં એકાઉન્ટ બનાવવાનું કહેતા એકાઉન્ટ બનાવેલ. ત્યારબાદ સીતાસીંઘ નામની વ્યક્તિએ એક ડેમો પ્રોસેસ આપેલ જેમાં કંપની તરફથી રૂ. 10 હજારના  રિચાર્જ કરેલ હોવાનુ જણાવ્યું હતું. જે ડેમોમાં 5થી 30 ટાસ્ક આવેલ જેમાં 5 સ્ટાર રેટિંગ આપવાનું જણાવેલ. જેથી તે ડેમોમાં 1થી 30 ટાસ્કમાં 5 સ્ટાર રેટિંગ આપેલ અને ટાસ્ક પૂર્ણ થતા રૂ . 825 / - નું મિશન ફરિયાદીના એક્સિસ બેંક એકાઉન્ટમાં જમા થયેલ. તે દરમિયાન સીતાસીંઘનો મોબાઇલ નંબર બદલાઇ ગયેલ અને તેણે બીજા નંબર ઉપરથી મેસેજ કરી જુદા જુદા કુલ 35 ટાસ્ક આપેલ. એમ કરતા કરતા ટાસ્ક ની જમા થયેલા કમિશનની રકમ આપવાની વાત કરીને વારંવાર રિચાર્જ કરાવીને અન્ય એક વ્યક્તિ વિરાજ પટેલે પ્રક્રીયા પૂરી કરવા મદદ કરીને વધારે રિચાર્જ કરવા અને જમાં રકમ મેળવવા સમજાવેલ. આ દરમિયાન છેલ્લે ફરિયાદીને રકમ અને કમિશન પરત નહીં મળતા વાત કરતા એકાઉન્ટ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અનઓથોરાઈઝ એક્ટિવ ડીટેક થયાનું અને સુરક્ષિત નહીં હોવાનું જણાવી રોકાણ અને કમિશનની રકમ મેળવવા માટે સિક્યુરિટી પેટે અલગથી વધારાની ડિપોઝિટ કરાવી કુલ રૂપિયા 61,26,304 રૂપિયા જેવી માતબર રકમની છેતરાપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી.

© 2023 Saurashtra Trust