કાર નીચે ઢસડાતા 40 ઈજા, આઘાતથી અંજલિનું મૃત્યુ

કાર નીચે ઢસડાતા 40 ઈજા, આઘાતથી અંજલિનું મૃત્યુ
મિત્ર નિધિએ પીડિતા પર જ લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી, તા.4: દિલ્હીના સુલતાનપુરીમાં ચકચારી કંઝાવલા કેસમાં પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ કાર નીચે લાંબા અંતર સુધી ઢસડાયા બાદ તેના શરીરમાં 40 જેટલી ઈજાઓ થઈ હતી. મૃતક સાથે રહેલી તેની મિત્ર નિધિને પોલીસે શોધી કાઢી પૂછપરછ કરતાં તેણે આશ્ચર્ય વચ્ચે મૃતક અંજલિ પર જ ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હી મહિલા આયોગે નિધિનાં નિવેદનની તપાસની માગ કરી છે. મૃતકના પરિવારજનોએ પણ નિધિના આરોપને ફગાવી
દીધા છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, 31મી ડિસેમ્બરની મધરાત્રે પોતાના સ્કૂટીથી ઘેર પરત ફરી રહેલી યુવતીને કારની જોરદાર ટક્કરથી પાંચ ઈજા થઈ હતી. બાકીની ઈજાઓ કારની નીચે ફસાઈ ગયા બાદ ઢસડાવાથી થઈ હતી. તેને માથુ, કરોડરજ્જુ, ડાબી જાંઘ અને શરીરના નીચેના ભાગમાં ગંભીર ઈજા ઉપરાંત અકસ્માતનો આઘાત અને વધુ રક્તસ્રાવ જીવલેણ નિવડયો હતો. હતભાગી યુવતી અંજલિ (ર0)ના મંગળવારે સાંજે ભારે સુરક્ષા વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાને ઉપસ્થિત લોકોએ યુવતીને ન્યાયની માગ સાથે આરોપીઓને ફાંસીની સજાની માગ કરી હતી.
સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે અકસ્માત વખતે અંજલિ સાથે રહેલી તેની મિત્ર નિધિને શોધી કાઢી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેઓ એક હોટલમાં મિત્રોને મળવા ગયા હતા. તેણે આરોપ લગાવ્યો કે અંજલિ નશામાં હતી છતાં તેણે સ્કૂટી જાતે ચલાવ્યું. એક ટ્રક સાથે તે રાત્રે ટક્કરમાંથી બચી ગયા બાદ કાર સાથે ગંભીર અકસ્માત થતાં બન્ને પડી ગયા હતા. ત્યાર બાદ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી અને પોતે બીજી તરફ પડી ગઈ હોય ગભરાટ અને ડરને કારણે સ્થળ પરથી નીકળીને ઘેર પહોંચી હતી. નિધિએ એવો પણ દાવો કર્યો કે કારમાં કોઈ મ્યુઝિક વાગતું ન હતું અને ચાલકને ખબર હતી કે કારની નીચે યુવતી ફસાઈ છે.

© 2023 Saurashtra Trust