સમેત શિખર : ઝારખંડ સરકાર કરશે ફેરવિચાર

સમેત શિખર : ઝારખંડ સરકાર કરશે ફેરવિચાર
તીર્થ બચાવવા જૈન સમાજના વિરોધ બાદ મુખ્યમંત્રીએ મૌન તોડયું
રાંચી, તા. 4 : ઝારખંડના ગિરિડીહ જિલ્લા સ્થિત સમેત શીખર તીર્થને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવતાં સમગ્ર દેશમાં જૈન સમાજ વિરોધમાં રસ્તા પર ઉતરતાં રાજ્ય સરકારે અંતે ફેરવિચારણા કરવા ખાતરી આપી છે. રાંચી ખાતે જૈનોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેન પ્રતિક્રિયા આપતા કહ્યંy કે સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા મુદ્દે જે સવાલ ઉઠયા છે તે અંગે રાજ્ય સરકાર વિચાર કરશે.
બીજીતરફ જૈન સમાજનું કહેવું છે કે તીર્થને પર્યટન સ્થળ બનાવવાથી અહીં માંસ અને દારૂ જેવી બદીઓ શરૂ થશે, હોટલો ખુલશે. જૈનો અહિંસક છે અને પવિત્ર તીર્થ સ્થળ ખાતે પ્રવાસન અંતર્ગત થતાં કામો સહન નહીં કરે. કેન્દ્ર સરકારે વર્ષ ર019માં સમ્મેદ શિખરને ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કર્યું હતું. મુનિ પ્રમાણ સાગરજી મહારાજે માગ કરી કે રજ્ય સરકાર નોટિફિકેશનને રદ કરે અથવા તેમાં સુધારો કરે. અમોને પર્યટકોથી વાંધો છે કારણ કે તીર્થ પવિત્ર ભૂમિ છે. લોકો અહીં શાંતિ માટે આવે છે, મોજ-મજા માટે નહીં. અમારે એવા વિકાસની જરૂર નથી જેથી અમારી ધાર્મિક લાગણી દુભાય અને ખંડિત થાય. અન્ય રીતે પણ આ તીર્થનો વિકાસ થઈ શકે છે.
 

© 2023 Saurashtra Trust