યુક્રેને છોડયું અમેરિકી બ્રહ્માત્ર : 500 રશિયન સૈનિકોનો ખાતમો

યુક્રેને છોડયું અમેરિકી બ્રહ્માત્ર : 500 રશિયન સૈનિકોનો ખાતમો
રશિયન સૈનિકોની એક ચૂક અને યુક્રેને છોતરા કાઢી નાખ્યા
મોસ્કો/કીવ, તા.4 : રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધને 10 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે, હજારો સૈનિકોના મૃત્યુ અને વ્યાપક ખાનાખરાબી બાદ યુક્રેને પલટવારમાં અમેરિકાની સૌથી ઘાતક રોકેટ સિસ્ટમની મદદથી રશિયા પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કરતાં પ00 જેટલા રશિયન સૈનિકોના મૃત્યુ થયા છે. મોટી ખાનાખરાબીથી રશિયામાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે.
31મી ડિસેમ્બરે રશિયાએ યુક્રેનને મિસાઈલ હુમલાથી ધમરોળ્યા બાદ નવા વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ યુક્રેને રશિયાના કબજાગ્રસ્ત ડોનેટ્સ્ક ઉપર 6 અમેરિકી હિમાર્સ રોકેટથી શાળાની એક ઈમારત પર ભીષણ હુમલો કર્યો હતો જેમાં રશિયન સૈનિકો છૂપાયા હતા. રશિયાએ આ હુમલાનો એકરાર કર્યો છે અને મૃતક સૈનિકોમાં અનેક સ્થાનિક હોવાનું જણાવ્યું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલય અનુસાર યુક્રેનના હુમલામાં 63 સૈનિકોના મૃત્યુ થયા છે તો યુક્રેન અને અમેરિકી રિપોર્ટમાં પ00 જેટલા રશિયન સૈનિકો મૃત્યુ પામ્યાનો દાવો કરાયો હતો. જે તસવીરો સામે આવી છે તેમાં ડોનેટ્સ્કમાં શાળાની ઈમારત કાટમાળનો ઢગલો બની ગયાનું જોવા મળે છે.
જે ઈમારત પર હુમલો કરાયો તેમાં ભારે માત્રામાં હથિયારો અને ઉપકરણો હતા. રશિયન વાગનેર ગ્રુપ સાથે જોડાયેલી એક ટેલિગ્રામ ચેનલમાં દાવો કરાયો કે ઈમારતમાં પ00 સૈનિકો હતા તથા સૈનિકોએ સુરક્ષામાં મોટી ચૂક કરી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં યુક્રેન ટાર્ગેટ સેટ કરી શક્યું હતું. એક જ ઈમારતમાં પ00 સૈનિકોને રાખવા બદલ કમાન્ડરોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે તથા મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર સૈનિકો પર દોષ ઢોળાયો છે. યુક્રેને અમેરિકા પાસેથી મેળવેલી રોકેટ સિસ્ટમ જીપીએસ ગાઈડેડ છે અને તેને સામાન્ય ટ્રક પરથી એક મિનિટમાં લોન્ચ માટે લોડ કરી શકાય છે. આ રોકેટની રેન્જ 80
કિ.મી. છે.

© 2023 Saurashtra Trust