સુરત કાપોદ્રામાં રોજના પાંચ હજારની લાલચે વકીલે જુગારીઓને ઓફિસ ભાડે આપી’તી!

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 4:  કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ઓફિસ પર જુગાર અંગે દરોડો પાડીને પોલીસે જુગાર રમવા અને રમાડવાના આરોપસર વકીલ સહિત સાત શખસને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક વકીલે કાપોદ્રામાં આવેલી પોતાની ઓફિસ રોજના રૂ. 5 હજારના ભાડે જુગારીઓને ઓફિસ ભાડે આપી દીધી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં પોલીસની તપાસ દરમિયાન સ્થળ ઉપરથી લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ સાથે દારૂની જથ્થો પણ મળી આવ્યો હતો. 
કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર મોટા વરાછા વિસ્તારમાં રહેતા વકીલ પ્રશાંતકુમર ધરમશીભાઇ પટેલ તેમની કાપોદ્રા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઓફિસ આવેલી છે. દરમિયાન ગઈકાલે સાંજે પોલીસે ઉપરોક્ત ઓફિસમાં ધમધમતી જુગારની ક્લબ ઉપર દરોડો પાડયો હતો અને જુગાર રમવા અને રમાડવાના આરોપસર પ્રશાંતકુમાર પટેલ સહિત સાત જણાની ધરપકડ કરી હતી તેમજ સ્થળ ઉપરથી રોકડ રકમ તથા 10 મોબાઇલ, બે ટીવી સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂ.3.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાંતકુમાર પોતાની આ ઓફિસ વોન્ટેડ રાહુલ બોરડા, ભાવિન ઉર્ફે બાડો નાકરાણી અને રોનક ઉર્ફે પરીને જુગારની ક્લબ ચલાવવા માટે ભાડે આપી હતી અને ભાડા પેટે રોજના રૂ. 5 હજાર તેમની પાસેથી ઉઘરાવતો હતો. તમામ આરોપીઓ વિરુદ્વ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

© 2023 Saurashtra Trust