40 ગુણ જુવાર, 10 ગુણ ચણા અને તેલના 5 ડબ્બા સહિત 1 લાખ 25 હજાર 300નો મુદ્દામાલ
પોરબંદર, તા. 4 : પોરબંદર શહેર અને રાણાવાવમાં ચોરીના બનાવ પોલીસ માટે માથાના દુ:ખાવા રૂપ બન્યા છે ત્યારે હવે સ્કરોએ કુતિયાણા તાલુકામાં પણ પોતાના પગલાં પાડીને પોલીસને પડકાર ફેંક્યો છે. કુતિયાણાના રણજીતનગરમાં રહેતા અને ત્યાંના એમ.જી.રોડ ઉપર વનરાજ એન્ટરપ્રાઈઝ નામની અનાજની હોલસેલ દુકાન ચલાવતા ભરત નાગાજણભાઈ ખુંટી નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે ખેડૂતો પાસેથી અનાજ વેચાતું લઈને સોની મહાજન સમાજની બાજુમાં આવેલા ગોડાઉનમાં સંગ્રહ કરે છે. તેની દુકાને કડેગીના રાજુ સામત કડેગિયા અને પસવારીના કમલેશગીરી ભીમગીરી મેઘનાથી મજૂરીએ આવે છે. ભરત તથા તેના મોટાભાઈ કરશનભાઈ બન્ને તેના ગોડાઉને ગયા હતા અને રાત્રીના સમયે ગોડાઉન બંધ કરીને દુકાને આવી વેપાર કરી જતા રહ્યા હતા. ગઈકાલે વહેલી સવારે રાજુભાઈએ ગોડાઉનના માલીક ભરતભાઈ ખુંટીને ફોન કરીને જણાવ્યું હતું કે, ગોડાઉનના તાળા તૂટયા છે. આથી તેઓ ગોડાઉને પહોંચ્યા હતાં. ગોડાઉનમાં જઈને તપાસ કરતાં 40 ગુણ (કિંમત રૂ.90,000) 10 ગુણી ચણા (કિંમત રૂ.22,500) અને 5 ડબ્બા સીંગતેલ (કિંમત રૂ.12,800) સહિત કુલ 1,25,300ના અનાજ અને તેલની ચોરી થઈ ગઈ હતી.