સિહોરના કોર્ટ કર્મચારી સાથે હોમ લોનની પ્રોસેસનાં નામે રૂ. 50 હજારની છેતરપિંડી

હિન્દીભાષી શખસ અને મહિલા વિરુદ્ધ ફરિયાદ
ભાવનગર, તા.4: ભાવનગર જિલ્લાના સિહોરમાં રહેતા કોર્ટ કર્મચારીના ભાઈની હોમ લોનની પ્રોસેસનાં નામે અજાણ્યા શખસે ફોન કરી અન્ય એક મહિલાનાં ખાતામાં રૂ.50 હજાર ટ્રાન્સફર કરવી છેતરાપિંડી કરવામાં આવ્યાની  ફરિયાદ થઈ છે.
સિહોરમાં આવેલ નિલમબાગ આવાસ ફલેટમાં રહેતા અને સિહોરની કોર્ટમાં નોકરી કરતા 52 વર્ષના જીતેન્દ્રભાઈ દેસાભાઈ પુરાણી ગત તા.20/10ના રોજ સિહોર કોર્ટમાં નોકરી ઉપર હાજર હતા તે દરમિયાન હિન્દીભાષી શખસે તેમના મોબાઈલમાં ફોન કરી એસબીઆઇ દરબારગઢ શાખામાંથી બોલું છું અને તમારા ભાઈ રાજેશભાઈની હોમ લોનની પ્રોસેસ શરૂ છે તેમજ તેઓ મારી સામે બેઠા છે. તમારે તેમની લોનમાં ગેરેન્ટર તરીકે રહેવું પડશે તેમજ ભાઈના ખાતામાં રૂ.1,25 લાખ જમા છે તે ફ્રીઝ કરેલા છે. તમારે તમારા ભાઈનાં ખાતામાં રૂ.50 હજાર ટ્રાન્સફર કરાવવા પડશે, ત્યાર બાદ તમને તે રકમ પરત મળી જશે. જીતેન્દ્રભાઈએ તેમના ભાઈ સાથે વાત કરાવવાનું કહેતા તેણે તેના ભાઈનો અવાજ સંભળાવ્યો હતો, આથી જીતેન્દ્રભાઈને વિશ્વાસ થતા તેમણે શખ્સે ચાંદાદેવી નામની મહિલાની બેન્કના હેડ તરીકે ઓળખ આપી મહિલાનાં ખાતામાં રૂ.50 હજાર ટ્રાન્સફર કરાવવાનું કહેતા જીતેન્દ્રભાઈએ રકમ ટ્રાન્સફર કરી હતી.  રકમ ટ્રાન્સફર કર્યા બાદ તેણે વધુ રૂ.10 હજાર ટ્રાન્સફર કરાવવાનું જણાવતા જીતેન્દ્રભાઈને શંકા જતા તેણે ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરી તે નંબર ઉપરથી ફોન આવતા ટ્રુ કોલરમાં બેન્ક ફ્રોડ લખેલું આવતા જીતેન્દ્રભાઈને છેતરાયા હોવાનું માલુમ પડતા તેમણે સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી હતી.આમ છતાં તેમની રકમ પરત ન મળતા તેમણે સિહોર પોલીસ મથકમાં હિન્દીભાષી શખ્સ અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
 

© 2023 Saurashtra Trust