અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 4 : શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનને લુટેરી દુલ્હન ભેટી ગઇ હતી. લગ્નના પાંચમા દિવસે દુલ્હન દાગીના સાથે છૂમંતર થઇ ગઇ હતી
બનાવની વિગત એવી છે કે, કતારગામ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય મહેશભાઇ વિઠ્ઠલભાઇ તરસિયાના લગ્ન થતાં ન હતા. આ દરમિયાન લગ્ન કરાવી આપવાના બહાને ઠગબાજ ટોળકી તેમને ભટકાઇ ગઇ હતી. ભાવનગરના મોમીનભાઇ ભાભાભાઇ ગાહા તથા મહારાષ્ટ્રના ગણેશ બંડુ ધીપે અને હર્ષદ નામના ઇસમોએ તેના લગ્ન મુંબઇની યુવતી કવિતા સુનિલ વાઘ સાથે કરાવી આપ્યા હતા. લગ્ન કરાવી આપવાના બદલામાં મોનીન તથા તેની ટોળકીએ રૂ. 1.80 લાખ પડાવી લીધા હતા. લગ્ન બાદ કવિતા મહેશભાઇના ઘરે રહેવા માટે આવી ગઇ હતી. જોકે પાંચ દિવસ બાદ કવિતાએ તેની માતા પાસે મળવા જવાનું કહીને ઘરથી કપડા અને દર દાગીના લઇને નીકળી ગઇ હતી. થોડા દિવસ બાદ પણ કવિતા પરત ના આવતા મહેશભાઇએ તેને પરત બોલાવવાની કોશિશ કરી હતી. પરંતુ ઠગબાજ મહિલાએ તેને એલફેલ બોલી ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આથી મહેશભાઇને પોતાની સાથે છેતરાપિંડી થયાની જાણ થઇ હતી. તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા ઠગબાજ ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.