ભારત-શ્રીલંકાની ટીમ રાજકોટમાં પ્રેક્ટિસ વિના મેદાને પડશે

ભારત-શ્રીલંકાની ટીમ રાજકોટમાં પ્રેક્ટિસ વિના મેદાને પડશે
ખંઢેરી સ્ટેડિયમમાં શનિવારે રમાનાર T-20 મેચને લઇને સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટ ફીવર
રાજકોટ, તા. 4: રમતપ્રેમી અને રંગીલા રાજકોટના આંગણે શનિવારની સમી સાંજે ભારત અને શ્રીલંકાની ટી-20 મેચની ટક્કર શરૂ થશે. આ મેચને લઇને સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. આ મુકાબલાને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ખંઢેરી સ્ટેડિયમમાં તડામાર તૈયારી ચાલી રહી છે. એવી પણ જાણકારી સામે આવી છે કે ભારત અને શ્રીલંકાની ટીમ પૂણેથી ખાસ વિમાનમાં શુક્રવારે બપોરે 2-30 વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચશે. જ્યાં બન્ને ટીમનું ભવ્ય સ્વાગત થશે અને બન્ને ટીમ સીધી જ હોટેલ પર રવાના થશે. મેચ શનિવારે હોવાથી બન્ને ટીમ પ્રેક્ટિસ સેશન લગભગ રાખશે નહીં અને સીધી જ મેચ માટે મેદાનમાં ઉતરશે. જો કે આ બારામાં હજુ સુધી ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર યાદી સામે આવી નથી.
ખેલાડીઓના પ્રેક્ટિસ સેશન વખતે ભૂતકાળમાં દરેક વખતે ચાહકો ઉમટી પડયાના દાખલા છે અને તેના મનપસંદ ક્રિકેટરોની ઝલક માટે પડાપડી કરતા જોવા મળ્યા છે. આ વખતે આ લાભ ચાહકોને મળશે નહીં. આમ છતાં હોટેલમાં પહોંચ્યા બાદ બન્ને ટીમના કેટલાક ખેલાડીઓ શનિવારે સવારે હળવી કસરત માટે મેદાનમાં આવી શકે છે જ્યારે બન્ને ટીમના કપ્તાન અને કોચ શુક્રવારે સાંજે ખંઢેરી સ્ટેડિયમના મેદાનની કદાચ મુલાકાત લઇ શકે છે. ખાસ તો તેઓ પિચ નિરિક્ષણ માટે આવી શકે છે. એવું પણ જાણવા મળે છે કે શ્રીલંકાની ટીમ અને ભારતની ટીમના જે ખેલાડીઓ વન ડે શ્રેણીમાં પસંદ થયા છે તે બધા રવિવારે બપોરે 1-00 વાગ્યા ગુવાહાટી જવા રવાના થશે.

© 2023 Saurashtra Trust