રણજી ટ્રોફીમાં દિલ્હી સામે સૌરાષ્ટ્ર 370 રને આગળ

રણજી ટ્રોફીમાં દિલ્હી સામે સૌરાષ્ટ્ર 370 રને આગળ
અર્પિત વસાવડાની અણનમ સદીથી સૌરાષ્ટ્રના 6/503
રાજકોટ, તા.4: દિલ્હી વિરુદ્ધના રણજી ટ્રોફી મેચમાં પહેલા કપ્તાન જયદેવ ઉનડકટની રેકોર્ડબ્રેક હેટ્રિક સાથે 8 વિકેટ બાદ હવે બેટધરોના શાનદાર દેખાવથી સૌરાષ્ટ્રની ટીમે મેચ પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું છે. આજે મેચના બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રના પહેલા દાવમાં 6 વિકેટે પ03 રન થયા હતા. દિલ્હીની ટીમ ગઇકાલે તેના પહેલા દાવમાં 133 રનમાં ડૂલ થઈ હતી. આથી સૌરાષ્ટ્ર દિલ્હીની ટીમથી 370 રનથી આગળ છે. મેચના હજુ બે દિવસ બાકી હોવાથી સૌરાષ્ટ્ર પાસે એક ઇનિંગથી જીત મેળવીને બોનસ પોઇન્ટ કબજે કરવાની તક છે.
આજે બીજા દિવસની રમતના અંતે અનુભવી ડાબોડી બેટધર અર્પિત વસાવડા 218 દડામાં 11 ચોક્કા-1 છક્કાથી 127 રને કપ્તાન જયદેવ ઉનડકટ 24 રને અણનમ રહ્યા હતા. હાર્વિક દેસાઇ 107 રને આઉટ થયો હતો જ્યારે ઓલરાઉન્ડર ચિરાગ જાનીએ 7પ, પ્રેરક માંકડે 64 અને સમર્થ વ્યાસે પ4 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી સ્પિનર રિતિક શૈકિને 211 રનમાં 3 વિકેટ લીધી હતી.

© 2023 Saurashtra Trust