હવે કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં સારાવાર : ગોઠણના લીગામેન્ટની સર્જરી થશે
જરૂર પડયે BCCI વિદેશમાં ઇલાજ કરાવશે
દેહરાદૂન, તા.4: માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટીમ ઇન્ડિયના વિકેટકીપર-બેટસમેન ઋષભ પંતને દેહરાદૂનથી મુંબઇ એર લિફટ કરાશે. હાલ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત ઋષભ પંતનો હવે પછીનો ઇલાજ મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં થશે. બીસીસીઆઇએ આ સંબંધે જણાવ્યું છે કે સ્પોર્ટસ મેડિસિન એન્ડ ઓર્થોસ્કોપી હેડ ડોક્ટર દિનશા પારદીવાલાની દેખરેખમાં ઋષભ પંતની સારવાર થશે. ડો પરદીવાલા આ પહેલા સચિન તેંડુલકર, યુવરાજ સિંઘ, જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેવા સ્ટાર ક્રિકેટરનો ઇલાજ કરી ચૂક્યા છે.
બીસીસીઆઇએ જણાવ્યું કે મુંબઇમાં સૌથી પહેલા પંતના ગોઠણના લિગામેન્ટની સર્જરી કરાશે. તેની રિકવરી બાદ રિહેબિલિટેશન પ્રક્રિયા પર પણ બોર્ડ નજર રાખશે. જો સર્જરી બાદ તબીબી સલાહ મળશે તો બીસીસીઆઇ પંતનો ઇલાજ વિદેશમાં પણ કરાવશે. આ માટે ઇંગ્લેન્ડ અથવા અમેરિકા પંતને મોકલવામાં આવશે. ઋષભ પંત બીસીસીઆઇનો કરારબદ્ધ ખેલાડી છે. આથી તેની તમામ પ્રકારની સારવારનો ખર્ચ બોર્ડ ભોગવશે.
2પ વર્ષીય પંત 30 ડિસેમ્બરે દિલ્હીથી રૂડકી જઇ રહ્યો હતો ત્યારે તેની કાર પલટી મારી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં તેનો બાલ બાલ બચાવ થયો છે અને હાલ સારવાર હેઠળ છે.
ઋષભ પંત એરલિફ્ટ: દેહરાદૂનથી મુંબઇ ખસેડાયો
