વર્ષના પ્રથમ શ્રેણી વિજય માટે ટીમ ઇન્ડિયા મેદાને પડશે

વર્ષના પ્રથમ શ્રેણી વિજય માટે ટીમ ઇન્ડિયા મેદાને પડશે
આજે પૂણેમાં શ્રીલંકા વિરુદ્ધ બીજો T-20 મુકાબલો
સંજુ સેમસનને ઇજા: બીજો મેચ ગુમાવશે
પૂણે, તા.4: પ્રથમ ટી-20 મેચમાં રસાકસી બાદ આખરી દડે બે રને રોમાંચક જીત મેળવ્યા બાદ યુવા ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલ ગુરુવારે બીજા મેચમાં મેદાને પડશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય શ્રેણી જીત હશે. ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે. વધુ એક જીતથી હાર્દિક પંડયાની ટીમની 2-0થી અજેય સરસાઈ થઈ જશે. બીજી તરફ પ્રવાસી શ્રીલંકાની ટીમ પહેલા મેચની સાંકળી હાર ભૂલીને બીજા મેચમાં જીત મેળવી શ્રેણી 1-1થી જીવંત રાખવાના ઇરાદે મેદાને પડશે. શ્રેણીનો ત્રીજો મેચ શનિવારે રાજકોટમાં રમાશે.
પહેલા મેચમાં થયેલી ગોઠણની ઇજાને લીધે સંજુ સેમસન પૂણે ગયો નથી. તે સારવાર માટે મુંબઇ જ રોકાઇ ગયો છે.
બીજા મેચમાં શુભમન ગિલના પાવર પ્લેના દેખાવ પર ટીમ મેનેજમેન્ટની નજર રહેશે. તે ટી-20ના તેના ડેબ્યૂ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તેનો નજીકનો હરીફ ઋતુરાજ ગાયકવાડ છે અને તે તકની રાહમાં છે. જો કે બીજા મેચમાં તેને મોકો મળે તેવી સંભવાના ઓછી છે, કારણ કે ટીમ ઇન્ડિયા ઇશાન કિશન અને શુભમન ગિલની ઓપનિંગ જોડી સાથે જ ઉતરવાનું પસંદ કરશે. પહેલા મેચમાં ભારતના ટોચના ક્રમના બેટધરો ધાર્યો દેખાવ કરી શકયા ન હતા. ટીમના કાર્યવાહક કપ્તાન હાર્દિક પંડયાએ સાહસિક  અને બેખોફ બેટિંગ તેની ટીમ કરશે તેવું વચન આપી ચૂક્યો છે. આથી આ શ્રેણીમાં ટોચના ક્રમના બેટધરો પહેલા દડાથી પ્રહારની રણનીતિમાં હશે. જો કે બેટધરોએ ક્રિઝ પર ટકીને રન પણ કરવા પડશે. પહેલા મેચમાં ભારતનો 162 રનનો સ્કોર થોડો ઓછો પડયો હતો. શ્રીલંકાના સ્પિનરો વિરુદ્ધ ભારતના યુવા બેટધરોની બીજા મેચમાં પણ કસોટી થશે.
ભારત માટે સારી વાત એ છે કે નવોદિત ઝડપી બોલર શિવમ માવીએ તેના ડેબ્યુ મેચમાં જ 4 વિકેટ લીધી છે અને એક નવો વિકલ્પ આપ્યો છે જ્યારે ચિંતાની વાત ચહલનું ખરાબ ફોર્મ છે. તેણે પહેલા મેચમાં બે ઓવરમાં 26 રન આપ્યા હતા. આથી તેને બાદમાં ઓવર અપાઈ ન હતી.

© 2023 Saurashtra Trust