ડિમ્પલ યાદવની વિક્રમી જીત

ડિમ્પલ યાદવની વિક્રમી જીત
પેટા ચૂંટણી: છ બેઠકમાંથી કોંગ્રેસ-ભાજપને બે-બે
નવી દિલ્હી, તા.8 : ગુજરાત અને હિમાચલપ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ સાથે જ જાહેર થયેલા પેટા ચૂંટણીના પરિણામોમાં પાંચ રાજ્યની છ વિધાનસભા બેઠકમાંથી બે કોંગ્રેસ અને બે ભાજપને જ્યારે પ્રતિષ્ઠના જંગ સમી ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠક પર ડિમ્પલ યાદવે વિક્રમી જીત મેળવી હતી. સૌથી મોટો ઉલટફેર યુપીમાં આઝમ ખાનના ગઢ રામપુરમાં થયો હતો. અહીં 71 વર્ષ બાદ ભાજપને વિજય મળ્યો છે. મૈનપુરી બેઠક પર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલે ભાજપના રઘુરાજ શાક્યને બે લાખ 88 હજારથી વધુ મતોથી પરાજય આપ્યો હતો. રામપુરમાં આઝમ ખાનના નજીકના આસીમ રઝાને ભાજપના આકાશ સક્સેનાએ 25,703 મતથી પરાજય આપ્યો હતો. ખતૌલી વિધાનસભા બેઠક પર સપા-રાષ્ટ્રીય લોકદળ જોડાણના મદન ભૈયાની જીત થઈ હતી. બિહારની કુઢની વિધાનસભા બેઠક પર ભાજપના કેદાર ગુપ્તાની જીત થઈ હતી. છત્તીસગઢની ભાનુપ્રતાપપુર અને રાજસ્થાનની સરદારશહર બેઠક પર કોંગ્રેસને વિજય મળ્યો હતો.
 

© 2023 Saurashtra Trust