સોમનાથની પ્રતિષ્ઠાભરી બેઠક કોંગ્રેસે જાળવી, ત્રણ બેઠક ભાજપે ખૂંચવી લીધી

સોમનાથની પ્રતિષ્ઠાભરી બેઠક કોંગ્રેસે જાળવી, ત્રણ બેઠક ભાજપે ખૂંચવી લીધી
સોમનાથની બેઠક પર કોંગ્રેસના વિમલ ચુડાસમાની ભાજપના માનસિંહ પરમાર સામે 1301 મતની નજીવી સરસાઈથી જીત
તાલાલામાં ભાજપ જીત્યો, કોંગ્રેસ કરતા આપને વધુ મત: કોડિનારમાં કોંગ્રેસનો આંતરિક વિરોધ નડયો
ઉનામાં કોંગ્રેસના કદાવર નેતા છ વખતના ધારાસભ્ય પૂંજા વંશને હરાવી ભાજપના કે સી રાઠોડ 43,341 મતે જીત્યા
વેરાવળ, તા. 8: (ફૂલછાબ ન્યુઝ) વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ગિર સોમનાથ જિલ્લાની ચાર પૈકી ત્રણ બેઠકો ઉપર કમળ ખીલ્યું છે જ્યારે ભાજપ માટે પ્રતિષ્ઠા સમાન સોમનાથ બેઠક જાળવવામાં કોંગ્રેસ સફળ થયેલ છે. આમ જિલ્લામાં 2017ના પરિણામોનો ભાજપે બદલો લઇ ત્રણ બેઠકો કબજે કરી છે જ્યારે કોંગ્રેસ એક બેઠક જાળવવામાં સફળ થયેલ છે. જિલ્લાની સોમનાથ બેઠક ઉપર રસાકસી ભર્યો માહોલ રહેલ જ્યારે તાલાલા, કોડિનાર અને ઉના બેઠક ઉપર મતગણતરીના પ્રારંભથી જ ભાજપ આગળ જોવા મળતું હતું. 
ભાજપે પ્રતિષ્ઠાભરી સોમનાથ બેઠક જીતવા માટે આક્રમક પ્રચારની સાથે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને હિન્દુ ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે કમાન હાથમાં લીધી હોય તેમ સોમનાથ સાંન્નિધ્યે સભા યોજી વિજય અપાવવા માટે અપીલ કરી હતી. આમ, સોમનાથ બેઠક જીતવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવા છતાં નજીવા અંતરથી હારનો સામનો કરવો પડયો છે.
સોમનાથ બેઠક : સોમનાથ બેઠક ઉપર આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો હતો. જેમાં ગણતરીના અંતિમ પાંચ રાઉન્ડમાં ભાજપ-કોંગ્રેસ ક્રમશ: આગળ પાછળ રહ્યા બાદ અંતિમ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઇ ચુડાસમાં 1301 મતની નજીવી લીડ સાથે ભાજપના માનસિંહ પરમાર સામે વિજયી થયા હતા. આ બેઠક ઉપર એક જ પક્ષમાંથી લડતા ઉમેદવાર સતત બીજી વખત વિજય મેળવ્યાનો રેકોર્ડ વિમલભાઇ ચુડાસમાએ પોતાના નામે કર્યો છે.
તાલાલા બેઠક : તાલાલા ગિર બેઠક ઉપર કોંગ્રેસની કારમી હાર થતા ત્રીજા નંબરે આવી છે તો આપ પાર્ટીના ઉમેદવારે નોંધ પાત્ર મતો મેળવી બીજા નંબર ઉપર આવેલ છે. આ બેઠક ઉપર ચૂંટણીના થોડા દિવસો પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષ પલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ઉમેદવાર બન્યા હતા અને અંતિમ રાઉન્ડની ગણતરી બાદ 20 હજારથી વધુની લીડ સાથે કોંગ્રેસના માનસિંહ ડોડિયા સામે વિજયી થયેલ છે.
કોડિનાર બેઠક : કોડિનાર અનામત બેઠક ઉપર કોગ્રેસે કોડિનારના સિટિંગ  ધારાસભ્ય મોહનભાઇ વાળાની ટિકિટ કાપી નવા ઉમેદવારને ટિકિટ ફાળવતા સંગઠનમાં ભડકો થયેલ અને મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોએ રાજિનામા ધરી દીધા હતા. ચૂંટણી પ્રચાર તથા મતદાનના દિવસે જમીની સ્તર પર કોંગ્રેસના કોઇપણ નેતા કે કાર્યક્રરો જોવા મળતા ન હતા. જેનો સીધો ફાયદો ભાજપને થતા આ બેઠક જીતવામાં સરળતા રહી હોવાનું આજના પરિણામમાં જોવા મળેલ હતી. આ બેઠક ભાજપના ડો. પ્રદ્યુમ્ન વાજા કોંગ્રેસના મહેશભાઈ મકવાણા સામે 18,766 મતની લીડથી વિજય બનેલ છે.
ઉના બેઠક : કોંગ્રેસના વર્ચસ્વ વાળી અને ભૂતકાળમાં એક જ વખત ભાજપ વિજય થયેલ તેવી ઉના બેઠક ઉપર છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના સિનિયર નેતા પૂંજાભાઇ વંશની આજના પરિણામમાં કારમી હાર થયેલ છે. આ બેઠક ભાજપ પંદર વર્ષ બાદ ફરી જીતવામાં સફળ થયેલ છે. 43,341 મતની જંગી લીડથી ભાજપના ઉમેદવાર કે. સી. રાઠોડનો કોંગ્રેસના પૂંજાભાઈ વંશ સામે વિજય થયેલ છે. જિલ્લાની ચારેય બેઠકો ઉપરથી સૌથી વધુ લીડ અહીંયા જોવા મળી છે.

© 2023 Saurashtra Trust